આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા
Harare, તા.૨૩
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી૨૦ૈ સીરિઝની પહેલી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ઝિમ્બાબ્વેની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૨૫ રન બનાવ્યા હતા. તેના જવાબમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ભારતીય ઇનિંગની તોફાની અંદાજમાં શરૂઆત કરી હતી. જો કે અભિષેક શર્મા ૧ રન બનાવીને ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ વૈભવ સૂર્યવંશીએ પહેલા જ બોલથી બોલર્સની ધોલાઈ શરૂ કરી દીધી હતી. વૈભવે ઝિમ્બાબ્વેના બોલિંગ અટેક સામે જોરદાર પ્રહાર કરતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની પહેલી અડધી સદી પૂરી કરી મોટો અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક ઇનિંગ્સથી આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાના તમામ રેકોર્ડ્સ ધ્વસ્ત કરી નાખ્યા છે. આ પહેલાં આ વર્લ્ડ રેકોર્ડ જિબ્રાલ્ટરના લૂઈસ બ્રૂસના નામે હતો, જેમણે ૨૦૨૧માં માલ્ટા સામે ૧૬ વર્ષ અને ૫૬ દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. આ યાદીમાં ઇન્ડોનેશિયાના કાવિન ચડ્ઢા (૧૬ વર્ષ ૭૬ દિવસ), સીએરા લિયોનના અલુસીન તુરે (૧૬ વર્ષ ૮૯ દિવસ) અને ભૂટાનના તેનઝિન રબગે (૧૬ વર્ષ ૧૧૮ દિવસ) પણ સામેલ હતા.
જો ફુલ-મેમ્બર દેશોની વાત કરીએ તો આ રેકોર્ડ અફઘાનિસ્તાનના રહમાનુલ્લાહ ગુરબાઝના નામે હતો. તેમણે ૨૦૧૯માં ઝિમ્બાબ્વે સામે ૧૭ વર્ષ અને ૨૯૬ દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. વૈભવે માત્ર ગુરબાઝનો જ નહીં, પરંતુ એસોસિએટ અને ફુલ-મેમ્બર દેશોના તમામ ખેલાડીઓને પાછળ છોડીને આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
૧૨૬ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. તેણે કોઈપણ પ્રકારના દબાણ વગર ઝિમ્બાબ્વેના બોલરો પર પ્રહાર શરૂ કર્યા અને મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. વૈભવે માત્ર ૧૯ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેની આ તોફાની ઇનિંગ દરમિયાન સ્ટ્રાઈક રેટ ૨૬૩.૧૬ રહ્યો, જેમાં ૪ ચોગ્ગા અને ૪ ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, ઐતિહાસિક ફિફ્ટી પૂર્ણ કર્યા બાદ જ વૈભવની તરત જ આઉટ થઈ ગયો હતો. ઇનિંગ્સની ૭મી ઓવરના બીજા બોલ પર ઝિમ્બાબ્વેના ઝડપી બોલર રિચર્ડ નગારવાએ ઓફ સ્ટમ્પની બહાર લેન્થ બોલ ફેંકી હતી. વૈભવે કવર તરફ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટના ટોપ એજના કારણે બોલ હવામાં ઉછળી ગયો, જ્યાં બેન કરને સરળ કેચ ઝડપી લીધો. જોકે આઉટ થાય તે પહેલાં વૈભવે ભારતની જીત માટે મજબૂત પાયો તૈયાર કરી દીધો હતો.
હરારેનું મેદાન વૈભવ માટે પહેલાથી જ ખાસ રહ્યું છે, જ્યાં તેણે જુનિયર લેવલે અનેક યાદગાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ હવે સિનિયર ટીમ ઇન્ડિયાની બ્લ્યૂ જર્સીમાં તેણે જે નિડર અને આક્રમક બેટિંગ કરી છે, તે દર્શાવે છે કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માત્ર સુરક્ષિત જ નથી, પરંતુ અત્યંત સક્ષમ હાથોમાં છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે વિશ્વના અનુભવી બોલરો સામે આ રીતે બેટિંગ કરીને વૈભવ સૂર્યવંશીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય સુધી પોતાનો દબદબો જમાવવા આવ્યો છે.

