બાવળની કાંટમાં વિજય વેગડાએ છુપાવેલો ૫૭૩ બોટલ દારૂ કબ્જે બુટલેગર ફરાર
Jetpur તા.૨૪ઃ
Jetpurમાં ઉદ્યોગનગર પોલીસની ટીમે દારૂના બે દરોડા પાડી રૂ. ૧.૩૦ લાખનો શરાબ કબ્જે કર્યો હતો. ધોરાજી રોડ પર આવેલ જનતાનગર-૩ માં આવેલ બાવળની કાંટમાંથી ૫૭૩ બોટલ દારૂ કબ્જે કર્યા બાદ પોલીસે નજીકમાં જ આવેલ એક બંધ મકાનના રસોડામાંથી મોંઘીદાટ શરાબની ૧૩ બોટલ કબ્જે કરી હતી. નવાગઢ ચોકડી પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, જનતાનગર-૩ માં રહેતા વિજય કાંતી વેગડાએ પોતાના ભાડાના મકાનની બાજુમાં આવેલા ખાલી પ્લોટમાં બાવળની કાંટમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાન માલિક હાજર મળ્યો નહોતો. જોકે, પ્લોટમાં જાડી-ઝાંખરા અને બાવળની કાંટ વચ્ચે તપાસ કરતા પૂઠ્ઠાના બોક્સ તથા પ્લાસ્ટિકના ઝબલામાંથી જુદી-જુદી બ્રાન્ડના વિદેશી દારૂના કુલ ૫૭૩ ચપલા રૂ. ૯૧,૭૧૦ નો મુદામાલ મળી આવતાં પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી વિજય વેગડા સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.જ્યારે જનતાનગર-૩ માં રહેતી ખુશ્બુબેન સલીમ મુલતાનીના મકાનમાં નવાગઢના નાશીરખાન મહેબુબખાન મલેક નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. મકાન બંધ હાલતમાં મળી આવ્યું હતું રસોડામાંથી સ્મિરનોફ વોડકા અને શિવાસ રીગલ જેવી પ્રીમિયમ બ્રાન્ડની ૧૩ દારૂની બોટલો રૂ. ૩૮,૪૫૬ નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે દરોડા દરમિયાન મકાન માલીક મહિલા કે દારૂનો જથ્થો રાખનાર શખ્સ મળી ન આવતાં પોલીસે નાશીરખાન મહેબુબખાન મલેક અને ખુશ્બુ મુલતાનીની શોધખોળ આદરી હતી.

