Ahmedabad, તા.૨૪
શહેરની એક ખાનગી કંપનીને નિશાન બનાવી સાયબર માફિયાએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના નામ અને ફોટાનો ઉપયોગ કરીને બનાવેલા નકલી વોટ્સએપ એકાઉન્ટ મારફતે કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસર પાસેથી કુલ ૧.૪૭ કરોડ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
બાદમાં કંપનીના અસલી ડિરેક્ટરને ઘટનાની જાણ થતાં સમગ્ર સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન ઓફિસના કોમ્પ્યુટરમાં અજાણ્યા નંબર પરથી આવેલી ઝીપ ફાઇલ ડાઉનલોડ થતાં સિસ્ટમ હેક કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ, બોડકદેવ વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ સોલંકી (૬૫)શહેરની એક ખાનગી કંપનીમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
૨૦ જુલાઈના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. તેમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સ્વપ્નિલ મકાતીનો ફોટો અને નામ હોવાથી તેમણે તે નંબર સાચો હોવાનું માની લીધું હતું.મેસેજમાં પોતે મીટિંગમાં હોવાથી ફોન ન કરવા અને આ પોતાનો વ્યક્તિગત નંબર હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ એક બેંક ખાતામાં ૪૫.૬૦ લાખ ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી હતી. વિશ્વાસમાં આવી પ્રદીપભાઈએ સૂચના મુજબ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.બીજા દિવસે ફરીથી તે જ નંબર પરથી સંપર્ક કરી અલગ-અલગ ત્રણ બેંક ખાતામાં વધુ રકમ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના આધારે પ્રદીપભાઈએ વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આમ કુલ મળીને આશરે ૧.૪૭ કરોડ વિવિધ ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. થોડા સમય બાદ કંપનીના અસલી મેનેજિંગ ડિરેક્ટર સ્વપ્નિલ મકાતીને આ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવા સૂચના આપી નહોતી. ત્યારબાદ તાત્કાલિક બેંકમાં જાણ કરીને ખાતાં ળીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

