એક બોટલ પાછળ ૨૦૦થી ૩૦૦ રૂપિયાનું કમિશન મળતું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે
Ahmedabad,તા.૨૨
નિકોલ વિસ્તારમાં ઝડપાયેલા નકલી વિદેશી દારૂના કૌભાંડમાં પોલીસે વધુ એક ફરાર આરોપી દિનેશ જંડાવાલાની ધરપકડ કરી છે. અગાઉ મુખ્ય આરોપી સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજાની ધરપકડ કર્યા બાદ હવે ઝોન-૪ એલસીબી અને નિકોલ પોલીસે દિનેશને અમદાવાદમાંથી ઝડપી લીધો છે. આરોપીની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ સસ્તી બ્રાન્ડનો દારૂ મેળવી તેમાં અલગ-અલગ કેમિકલ, ફ્લેવર અને એસેન્સ ભેળવી નકલી મોંઘી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતા. ત્યારબાદ ખાલી બોટલોમાં દારૂ ભરી તેના પર બનાવટી બ્રાન્ડેડ અને ડિફેન્સના સ્ટીકર અને સીલ લગાવી બજારમાં વેચી દેતા.
નિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) દ્વારા મળેલી બાતમીના આધારે અટલ આવાસ યોજના નજીક દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સુનિલ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી દારૂની બોટલ તેમજ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદની તપાસ દરમિયાન કુબેરનગર સ્થિત દિનેશ જંડાવાલાના ઘરેથી જ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દિનેશ ચામુંડા બ્રિજ નજીક આવેલા ભંગાર વેપારી દેવીલાલ પાસેથી ખાલી બોટલો, સીલ અને સ્ટીકર લાવતો હતો, જ્યારે બાપુનગરના ચિરાગ મારવાડી નામના ભંગાર વેપારીનો પણ સંપર્કમાં ઉપયોગ થતો હતો. હાલ પોલીસે આ ભંગારની દુકાન ચલાવતા બંનેની શોધખોળ હાલમાં ચાલી રહી છે. પોલીસે સુનિલ અને દિનેશ છેલ્લા આઠથી દસ મહિનાથી સાથે કામ કરતા હોવાનો ખુલાસો કર્યો છે. જે શરૂઆતમાં દિનેશને માસિક ૧૮ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો, પરંતુ બાદમાં બંને નફા વહેંચીને ધંધો ચલાવતા હતા. એક બોટલ પાછળ ૨૦૦થી ૩૦૦ રૂપિયાનું કમિશન મળતું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.આરોપીઓ સસ્તો દારૂ સરદારનગર વિસ્તારના ગોવિંદ વાઘેલા નામના બુટલેગર પાસેથી મેળવતા હતા, જ્યારે દારૂમાં ભેળવવા માટેનું એસેન્સ કાલુપુર બજારમાંથી લાવતા હોવાનું સામે આવ્યું છે. દારૂમાં વપરાયેલા એસેન્સ અને કેમિકલ કેટલા નુકસાનકારક છે તે જાણવા માટે પોલીસે નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (હ્લજીન્)માં મોકલ્યા છે. હાલ નિકોલ પોલીસે આ મામલે સુનિલ માખીજા, દિનેશ જંડાવાલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ આગળ વધારી છે. સુનિલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જ્યારે દિનેશ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ અન્ય સંડોવાયેલા આરોપીઓ તેમજ સપ્લાય ચેઇનની કડીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.

