Ahmedabad,તા.24
અમદાવાદ ગ્રામ્ય પોલીસ જિલ્લાના સાણંદ GIDC પોલીસ સ્ટેશનની ટીમે 23મી ઓગસ્ટે સાણંદ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આશરે 1200 બોક્સમાં ભરેલી 32392 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂની અંદાજિત કિંમત 1,11,03,388 રૂપિયા થાય છે. આ ઉપરાંત ટ્રક અને કન્ટેનર, 3 મોબાઇલ ફોન અને 1300 રૂપિયા રોકડા મળીને કુલ 1,36,19,688 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે કન્ટેનરના ડ્રાઇવર કરતારામ મેઘવાલ (ઉંમર 30)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાનો રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું ખૂલ્યું છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર અજમેરનો સુરેન્દ્ર યાદવ, કન્ટેનરનો માલિક બાડમેરનો મેહરારામ માનારામ અને ગુજરાતમાં આ જથ્થો મંગાવનાર સુરેન્દ્રનગરના સુદામડાના ત્રણ શખસો દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરત બોરીચા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સાણંદ GIDC પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂના આ મોટા જથ્થાની પ્રાપ્તિ, તેના નાણાકીય વ્યવહારો, લોડિંગ અને પરિવહન સહિતની સમગ્ર સપ્લાય ચેઇનને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ ગુનાહિત નેટવર્કમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે.

