Rajkot,તા.૨૭
Rajkotમાંથી એક ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા ૭૬ વર્ષીય વૃદ્ધાનું અપહરણ કરી, તેના પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવામાં આવી. આજીડેમ પોલીસે ગણતરીના દિવસોમાં આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે.
ગત તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ રાજકોટ-ભાવનગર હાઇવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કાંઠે એક અજાણી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને ઓળખ માટે અખબારોમાં જાહેરાત આપી હતી.
તપાસ દરમિયાન મૃતકની ઓળખ લીલાબેન ટપુભાઈ ઉર્ફે ટીબુભાઈ સોલંકી ઉંમર વર્ષ ૭૬ તરીકે થઈ હતી. તેમના પૌત્ર અજયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે ઝૂંપડામાં રહે છે. તેમના દાદીમા ભિક્ષાવૃત્તિ કરે છે. તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે તેઓ તેમને સાત હનુમાન મંદિર પાસે ભીક્ષાવૃતિ માટે મૂકી ગયા હતા. પરંતુ સાંજે ૫ઃ૩૦ વાગ્યે તેઓ ત્યાં જોવા મળ્યા ન હતા. શોધખોળ બાદ તા. ૨૦ ઓગસ્ટના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરાઈ હતી.
ફોરેન્સિક ડોક્ટરે મોત અંગે શંકા વ્યક્ત કરતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક કમિશ્નર ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી વી.બી. જાડેજાની સૂચનાથી આજીડેમ પીઆઇ એચ.એન. પટેલ અને પીએસઆઇ વી.જી. ડોડિયાની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે મરણજનાર જે જગ્યાએથી ગુમ થયા હતા તે રૂટના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક રિક્ષા ચાલક તેમને ઘરે પહોંચાડવાનું કહીને રિક્ષામાં બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો. હ્યુમન સોર્સની મદદથી પોલીસે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે તેણે વૃદ્ધાને સાત હનુમાન મંદિર પાસેથી ઘરે મૂકી દેવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા. બાદમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા ઉભી રાખી તેમને ધોકા વડે માર મારી અર્ધબેભાન કરી દીધા હતા. ત્યારબાદ આજીડેમ ચોકડી નજીક મોગલ માતાજીના મંદિર પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને માર મારી હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે લાશને કપડામાં વીંટાળી આજીડેમના કિનારે ફેંકી દઈને નાસી ગયો હતો.
હાલ પોલીસે આ મામલે રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા ૩૩ વર્ષીય આરોપી રમેશ બચુભાઈ વૈધુકીયાની ધરપકડ કરી છે. તેની સામે અગાઉ પણ ૩ ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે અને અવારનવાર વૃદ્ધ મહિલાઓ અને બાળકીઓને ટાર્ગેટ બનાવે છે. આજીડેમ પોલીસે કલમ ૧૦૩(૧), ૬૪(૨), ૬૬, ૮૭, ૨૩૮(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

