New Delhi તા, 31
યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 25મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાના ઈરાદા સાથે ઉતરેલા સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચ માટે શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે.
અર્જેન્ટીનાના અનસીડેડ ખેલાડી મરિયાનો નવોને સામે આશરે ચાર કલાક સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં જોકોવિચનો 7-6, 5-7, 6-4, 2-6, 6-1 થી પરાજય થયો હતો. આ સાથે જ સ્પર્ધાના પહેલાં જ રાઉન્ડમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.
મેચ દરમિયાન ન્યૂયોર્કની ભીષણ ગરમી અને અસહ્ય બફારાના કારણે જોકોવિચ શરૂઆતથી જ શારીરિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં. આર્થર એશ સ્ટેડિયમની છત બંધ થયા બાદ પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો ન થતાં તેમણે સુપરવાઈઝર પાસે એસી ચાલું કરાવવાની માંગ કરી હતી.
ત્રીજા સેટ દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી અને તેઓ કોર્ટ પર જ ઉલટી કરતા જોવા મળ્યાં હતાં. મેડિકલ ટીમે તેમને દવાઓ અને લિક્વિડ આપવું પડ્યું હતું. ખરાબ તબિયત છતાં જોકોવિચે અદ્ભુત રમત દર્શાવીને મેચમાં વાપસી કરી હતી.
પહેલો સેટ ગુમાવ્યાં બાદ તેમણે બીજો અને ત્રીજો સેટ જીતીને 2-1 ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, ચોથા સેટમાં નવોનેએ શાનદાર વાપસી કરીને 6- 2થી જીત મેળવી મેચને નિર્ણાયક પાંચમાં સેટમાં ખેંચી હતી.
પાંચમા અને નિર્ણાયક સેટમાં જોકોવિચ સંપૂર્ણપણે થાકેલાં જણાતાં હતાં. નવોને જ્યારે 4-1 થી આગળ નીકળી ગયો ત્યારે 24 ગ્રાન્ડસ્લેમ વિજેતા જોકોવિચ પોતાના આવેગને રોકી શક્યા નહીં અને કોર્ટ પર જ રોઈ પડ્યા હતા. નવોનેએ આ તકનો લાભ ઉઠાવી પાંચમો સેટ 6-1 થી જીતીને જોકોવિચનું યુએસ ઓપન અભિયાન પૂરું કર્યું હતું.

