New Delhi,તા.01
તહેવારોની સાથે હવે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં બોનસની સીઝન પણ આવી છે તે સમયે હવે સરકારી કર્મચારીઓને રૂા.7000 નહી પણ મહતમ રૂા.21000નું બોનસ મળે તેવા સંકેત છે.
કેન્દ્રના કામદાર તથા રોજગાર મંત્રાલય દ્વારા રૂા.7000 અથવા જે લઘુતમ વેતન નિશ્ચિત કરાયુ છે તેમાંથી જે વધુ હોય તેના આધારે બોનસની ગણતરી કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે પણ કર્મચારીઓ તરફથી નેશનલ કાઉન્સીલ ઓફ જોઈન્ટ ક્નસલ્ટેટીવ મશીનરીના સેક્રેટરી શિવા ગોપાલ મિત્રાએ તા.27ના એક પત્ર લખી કેબીનેટ સચીવ તથા સરકારની સમક્ષ બોનસ ગણતરી માટે લઘુતમ મર્યાદા રૂા.21000 ગણવા માંગ કરી છે.
તેમની દલીલ છે કે, સરકારે જ લઘુતમ વેતનની રકમ રૂા.21000 જાહેર કરી છે તો બોનસ પણ રૂા.21000થી ઓછું હોવું જોઈએ નહી. જેથી તેઓએ હવે બોનસ ગણતરીએ રૂા.21000ની મર્યાદાને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સૂચના આપવા, માંગણી કરી છે.
સરકારે આ અગાઉ તા.25 ઓગષ્ટના પરિપત્રથી રૂા.7000ની મર્યાદા નિશ્ચિત કરે છે તેની સામે ગત સપ્ટેમ્બરમાં કામદાર મંત્રાલયે લઘુતમ વેતન રૂા.783 પ્રતિ દિવસ એટલે કે મહિને રૂા.20358 ની બિન કુશળ કર્મચારી- સેમી-સ્ક્રીન (અર્ધકુશળ) 868 પ્રતિદિન એટલે કે રૂા.22568 વેતન અને કુશળ કારીગરો માટે રૂા.1035 પ્રતિદિન એટલે કે રૂા.26910 પ્રતિ માસના લઘુતમ વેતનની જાહેરાત કરી હતી જેનો અનેક રાજયોએ અમલ પણ શરૂ કરી દીધો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગારની સમીક્ષા માટે નવા નાણાં પંચની રચના કરી દેવામાં આવી જ છે અને તેની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. નવા નાણાંપંચના અમલ બાદ કર્મચારીઓના વેતનમાં નોંધપાત્ર વધારો થવાની ગણતરી રાખવામાં આવી રહી છે.
તેવા સમયે કર્મચારીઓએ બોનસ મામલે પણ રાહતની માંગણી કરી છે અને દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે બોનસ આપવામાં આવતું હોય છે તે પૂર્વે જ બોનસ પરની મર્યાદામાં વધારો કરવાની માંગ મૂકી છે.

