New Delhi તા, 1
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલાં સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને બહાર કરી દેવાયા છે.
તાજેતરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં લાબુશેનનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. બીજી તરફ, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની વાપસી તેમજ યુવા ઓલરાઉન્ડર જોએલ ડેવિસને પ્રથમ વખત વનડે ટીમમાં તક મળતાં પસંદગીકારોએ આ કડક નિર્ણય લીધો છે.
15 સપ્ટેમ્બરથી હરારે ખાતે ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણીની શરૂઆત થશે. ટીમની કમાનમાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે, જ્યાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર મિચેલ માર્શ કેપ્ટનશીપ કરશે.
જ્યારે નિયમિત વનડે કેપ્ટન પેટ કમિન્સ દક્ષિણ આફ્રિકા પ્રવાસથી ટીમ સાથે જોડાશે. વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને માર્શ અને કમિન્સ સાથે મળીને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કપ્તાની કરી શકે છે.
જ્યારે જોશ હેઝલવુડ બંને પ્રવાસમાં ટીમનો ભાગ રહેશે. 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે આ બંને પ્રવાસનાં કુલ 6 મુકાબલા ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યાં છે.

