હત્યા, લૂંટ, ચોરી સહિતના 10 ગુનામાં સંડોવાયેલ ગૌતમ ઉર્ફે કાનો, હિતેન ઉર્ફે હકો, નિલેશ ઉર્ફે ભૂરો અને ભરત ઉર્ફે ભરતાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા : ઘરેણાં, બે વાહનો, મોબાઈલ મળી રૂ. 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.01
શહેરમાં ધોળા દિવસે છરીની અણીએ પશુપાલક સહીત બે લોકોને લૂંટી લેનાર હિસ્ટ્રીશીટર ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી છે. પોલીસે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને પકડી ઘરેણાં, બે વાહનો, મોબાઈલ મળી રૂ. 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકોટ શહેરની અંદર કે ભાગોળે લોકોને નીકળવું હવે અસુરક્ષિત બન્યું છે, કેમ કે, પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાઓ બેફામ બન્યા છે, અવારનવાર સામે આવતા લૂંટ અને ચોરીના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના વિકસિત સ્માર્ટ સીટીમાં પશુ ચરાવતાં પશુ પાલકને બેફામ મારમારી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂ નાસી છૂટ્યા હતાં. તે પહેલાં કણકોટ ગામ પાસે યુવકને આંતરી છરીની અણીએ સોના-ચાંદીના દાગીનાની લૂંટનો સનસનીખેજ બનાવ પણ સામે આવતાં બંને બનાવમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.ગૌતમ ઉર્ફે કાનો કેશુ મકવાણા (ઉ.વ.૨૧, રહે.રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ ત્રીજા માળે, ખોડીયાર હોટલ વાળી શેરી, હનુમાન મઢી), હિતેન ઉર્ફે હકો રાજુ ગોહેલ (ઉ.વ.૨૩, રહે.ભોલે પાનવાળી શેરી, કણકોટ ગામના પાટીયા પાસે, કાલાવડ રોડ), નિલેશ ઉર્ફે ભુરો ગોપાલ વાઘેલા (ઉ.વ.૨૨, રહે.૨૫ વારીયા શેરી નં.૯, કોઠારીયા સોલવન્ટ, મેલડી માતાજીના મંદિર પાસે) અને ભરત ઉર્ફે ભરતો પોપટ પરમાર (ઉ.વ.૨૩ રહે.૨૫ વારીયા શેરી નં.૨૯, કોઠારીયા સોલવન્ટ, મેલડી માતાજીના મંદિર પાસે) ને પકડી પાડી આરોપી પાસેથી સોનાના દાગીના, વાહનો અને મોબાઈલ મળી કુલ રૂ.૨.૮૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સો રીઢા ગુનેગાર છે અને સમયાંતરે બાઈકમાં નિકળી ધોળા દિવસે જાહેરમાં એકલી રહેલ વ્યક્તિને ટાર્ગેટ કરી છરી સહિતના હથિયાર બતાવી મારમારી લૂંટ કરી નાસી છૂટવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.

