New Delhi,તા.08
કેરળના કોચી ઍરપૉર્ટથી અબુ ધાબી માટે ઉડાન ભર્યા બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં આકાશમાં જ મોટી કટોકટી સર્જાઈ હતી. ફ્લાઇટ શરૂ થયાના આશરે 50 મિનિટ બાદ 36000 ફૂટની ઊંચાઈએ વિમાનના એક એન્જિનમાં ઇંધણ(ઓઇલ)નું સ્તર ઝડપથી ઘટવા લાગ્યું હતું. ખતરાને પારખીને ક્રૂ મેમ્બર્સે તુરંત જ વિમાનને પાછું વાળીને કોચી ઍરપૉર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સલામત છે.અહેવાલ મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737 વિમાન (ફ્લાઇટ નંબર IX 415) કોચીથી અબુ ધાબી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ક્રૂ મેમ્બર્સના ધ્યાને આવ્યું કે એન્જિન 1 માં ઇંધણનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે અને પ્રેશર ઓછું થઈ રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ એન્જિન 1 નો ઇંધણ સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટના બની ત્યારે વિમાન ટેક-ઑફ થયાને 50 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો હતો. ઇંધણનું સ્તર ઓછું થતાં જ ક્રૂ ટીમ દ્વારા ‘FORDEC’ ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અબુ ધાબી સુધી આગળ વધવાને બદલે વિમાનને પરત કોચી તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.લેન્ડિંગ બાદ વિમાનને તપાસ માટે ખસેડવામાં આવ્યું છે અને તેણે ફરી ઉડાન ભરી નથી. આ ટેકનિકલ ખામી શા માટે સર્જાઈ અને તે માટે કોણ જવાબદાર છે તેની તપાસ ચાલી રહી છે. જોકે, આ અંગે એરલાઇન અથવા ઍરપૉર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

