(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
જામનગરના મારુતીનગર વિસ્તારમાં દારૂ પી તોફાન કરતા પતિ અંગે પત્નીએ ૧૧૨માં ફોન કરતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા ૩૭ વર્ષીય મુકેશભાઈ જીવરાજભાઈ દેગામાની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫ મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદી સુનીતાબેન મુકેશભાઈ દેગામા (ઉં.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૮ સપ્ટેમ્બરની રાત્રે નવેક વાગ્યાના અરસામાં તેમના પતિ મુકેશભાઈ દેગામા દારૂ પી તોફાન કરતા હોવાથી તેમણે ૧૧૨માં ફોન કરી પોલીસ બોલાવી હતી.
પોલીસની ગાડી આવતા બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.પોલીસ સમક્ષ મુકેશભાઈને પંચોની હાજરીમાં તપાસતા તેની જીભ થોથરાતી હતી, મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ આવતી હતી, આંખો નશાથી લાલ હતી તેમજ ચાલતી વખતે શરીરનું સમતોલન જાળવી ન શકતાં લથડિયા ખાતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે દારૂ પીવા અંગે પાસ-પરમીટ માંગતા તેની પાસે પાસ-પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. ૧૧૨ના પોલીસ વાહનના ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ કનુભાઈ ખોડાભાઈ જાટીયા તેને રાત્રે સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. આ અંગે પોલીસે મુકેશભાઈ દેગામા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

