એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૫% પર જાળવી રાખ્યો છે. એજન્સીએ જણાવ્યું કે મજબૂત ઘરઆંગણે માગ, સરકારી અને ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ અને ટેક્સ રિફોર્મ્સ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત આધાર પૂરો પાડી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સારો ચોમાસો, આવકવેરા પર રાહત, જીએસટીમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં ઝડપથી માગમાં તેજી જળવાઈ રહેશે.
સાથે સાથે ફુગાવાના આઉટલુકમાં પણ સુધારો નોંધાયો છે. ખાદ્ય પદાર્થોના ભાવ અપેક્ષા કરતાં વધુ ઘટતા વર્તમાન નાણાં વર્ષ માટે મોંઘવારીનો અંદાજ ઘટાડી ૩.૨% રાખવામાં આવ્યો છે. નીચા ફુગાવાના પરિપ્રેક્ષ્યમાં, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે જેમાં રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઇન્ટ ઘટાડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે, અમેરિકાના ટેરિફ પગલાં ભારત માટે જોખમરૂપ બની શકે છે. રિપોર્ટ અનુસાર, એશિયાના અન્ય દેશોની સરખામણીએ ચીન ટેરિફના પ્રભાવનો સામનો કરવા વધુ મજબૂત સ્થિતિમાં છે.