એચએસબીસીએ ભારતીય ઈક્વિટીસ માટેનો દ્રષ્ટિકોણ ન્યુટ્રલમાંથી ઓવરવેઈટમાં બદલી દીધો છે અને અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી સવા વર્ષમાં સેન્સેક્સ ૯૬,૦૦૦ની સપાટીએ પહોંચી શકે છે. હાલના સ્તરથી સેન્સેક્સમાં અંદાજે ૧૩%થી વધુ ઉછાળો આવી શકે છે. રિપોર્ટ મુજબ, સરકારની સકારાત્મક પહેલો, ઘરેલુ રોકાણકારોની મજબૂત હાજરી અને બજારના ઊંચા મૂલ્યાંકન વચ્ચે ભારત માટે સ્થિતિ અનુકૂળ છે. એશિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ઈક્વિટીસ વધુ સ્થિર દેખાઈ રહી છે.
ખાસ કરીને તાઈવાન અને કોરિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં છે. વિદેશી રોકાણકારોના પલાયન છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે, જેના કારણે બજારને આવશ્યક ટેકો મળી રહ્યો છે. ૨૦૨૫માં ઘરેલુ સંસ્થાઓ દ્વારા કરાયેલ ખરીદીનો આંકડો પહેલાના વર્ષ કરતા પણ વધારે રહ્યો છે.
એચએસબીસીના જણાવ્યા મુજબ, ચીન અને હોંગકોંગ માટે ઓવરવેઈટ વલણ જાળવી રાખવામાં આવ્યું છે, જ્યારે કોરિયા માટે અન્ડરવેઈટ અપનાવવામાં આવ્યું છે. મજબૂત આર્થિક પરિબળો, સરકારની સુધારા માટેની પ્રતિબદ્ધતા અને મૂડીખર્ચ આધારિત વિકાસને કારણે ભારત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક સ્થાન બની રહ્યું છે.