અમેરિકા દ્વારા એચ૧બી વિઝા ફીમાં કરાયેલા તાજેતરના વધારાના પરિણામે ભારતમાં ડોલરના પ્રવાહમાં ઘટાડો થવાની શક્યતા છે. અંદાજ મુજબ આ પગલાં ભારતના સેવા ક્ષેત્રને ફટકો પહોંચાડશે અને ઈનવર્ડ રેમિટેન્સ ઘટશે, જેના કારણે રૂપિયા પર દબાણ આવશે. હાલમાં ભારતમાં આવતા રેમિટેન્સમાં લગભગ ૨૮% ફલો અમેરિકા ખાતેથી થાય છે, જે અંદાજે ૩૫ અબજ ડોલર બરાબર છે. પરંતુ ઊંચી વિઝા ફીને કારણે અમેરિકામાં એચ૧બી વિઝાધારક ભારતીયોની સંખ્યા ઘટશે અને તેની અસર રૂપે વાર્ષિક રેમિટેન્સમાં ૪૦ કરોડ ડોલર સુધીનો ફટકો પડી શકે છે.
હાલમાં રૂપિયો પ્રતિ ડોલર ૮૮.૩૧ના સ્તરે નબળાઈ દર્શાવી રહ્યો છે. ડોલરના પ્રવાહમાં ઘટાડો થવાથી તે પર વધુ દબાણ આવી શકે છે. ભારતની ૨૮૦ અબજ ડોલરની આઈટી સેવા ઉદ્યોગ માટે પણ આ મોટો ઝટકો બની શકે છે, કારણ કે આ કંપનીઓ પોતાના કર્મચારીઓને અમેરિકામાં ક્લાયન્ટસની જરૂરિયાત પૂરી કરવા એચ૧બી વિઝા પર મોકલે છે. આઈટી ક્ષેત્રનો દેશના જીડીપીમાં ૭% હિસ્સો છે અને લગભગ ૬૦ લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે.
આ નિર્ણય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં રોજગારી વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. પરંતુ વિશ્લેષકો માને છે કે આ પગલું અમેરિકન કંપનીઓ માટે જ ખર્ચાળ સાબિત થઈ શકે છે, જેના કારણે તેઓ ભારત જેવા દેશમાં પોતાના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs)નું વિસ્તરણ કરી શકે છે. હાલમાં માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેન્લી અને ગુગલ જેવી મોટી કંપનીઓ ભારતમાં આવા સેન્ટર્સ ચલાવી રહી છે.