અમેરિકાના દબાણનો પ્રભાવ ભારત – રશિયા ઓઈલ વેપાર પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં રશિયા પાસેથી ભારતની ક્રુડ તેલ આયાત ઘટી હોવાનો તાજેતરના આંકડાઓમાંથી ખુલાસો થયો છે. અમેરિકાના સતત દબાણ અને ટેરિફ સંબંધિત તણાવ વચ્ચે પણ રશિયા ભારતનો ટોચનો ક્રુડ પૂરવઠેદાર બની રહ્યો છે, પરંતુ આયાતના પ્રમાણમાં ધીમો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ રશિયા પાસેથી ક્રુડ તેલની આયાતમાં ૧૦% ઘટાડો, જ્યારે વર્ષના ધોરણે ૧૩% ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ભારતની કુલ ક્રુડ આયાતમાં રશિયાનો હિસ્સો ૩૪% જેટલો રહ્યો, જે એપ્રિલમાં રહેલા ૪૦.૨૫%ની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછો છે.
ઑઈલ માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાના સતત દબાણ અને વૈશ્વિક વેપાર તણાવને કારણે ભારતીય કંપનીઓએ રશિયન તેલની ખરીદીમાં ધીમે ધીમે ઘટાડો કર્યો છે. જો કે, રશિયા હજી પણ ભારત માટેનો સૌથી મોટો સપ્લાયર છે, પણ વર્તમાન કેલેન્ડર વર્ષના અંત સુધીમાં તેની હિસ્સેદારી વધુ ઘટવાની શક્યતા છે. સૂત્રોના મતે, ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને સપ્લાય ડાયવર્સિફિકેશનને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈ જેવા અન્ય સ્ત્રોતો તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.