સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓની કામગીરી સામાન્ય રહેવાની સંભાવના છે. નિફ્ટી કંપનીઓ માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે આશરે ૬-૭% વધવાનો અંદાજ છે. ક્વાર્ટર દરમિયાન માંગનું વાતાવરણ ધીમું રહેતા અને ૨૨ સપ્ટેમ્બર સુધી ખર્ચ રોકી રાખવામાં આવતા ગ્રાહકલક્ષી કંપનીઓના પરિણામો સામાન્ય રહેવાની શક્યતા છે. ત્રિમાસિક ગાળામાં રૂપિયામાં ૩%થી વધુનો ઘટાડો નિકાસકારો માટે આકરો પુરવાર થયો છે. સાથે જ ભારે અને લાંબા ચોમાસાના કારણે પેઇન્ટ અને ફાસ્ટ–ફૂડ ક્ષેત્રના વેચાણ પર પણ અસર પડી હોવાનું મનાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં તેલ-ગેસ, ધાતુઓ અને સિમેન્ટ જેવા ક્ષેત્રોમાં સુધારાની ધારણા છે, જ્યારે બેંકોના પરિણામો નબળા રહેવાની શક્યતા છે.
ચોખ્ખા વ્યાજ માર્જિનમાં સંકોચન અને ટ્રેઝરી આવકમાં ઘટાડાને કારણે બેંકિંગ ક્ષેત્રની આવક વૃદ્ધિ પર અસર થવાની સંભાવના છે. જૂન ક્વાર્ટરમાં જેમ કુલ ચોખ્ખા નફામાં ૬%નો વધારો જોવા મળ્યો હતો, તેમ સપ્ટેમ્બર ક્વાર્ટરનું પ્રદર્શન પણ સમાન રહેવાની ધારણા છે. આ દરમિયાન વિશ્લેષકો કમાણીના અંદાજમાં ઘટાડો કરી રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે નિફ્ટી કમાણીના અંદાજમાં ૧.૧% અને ૨૦૨૭ માટે ૧.૭% ઘટાડો નોંધાયો છે. નોમુરાના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, કમાણી ડાઉનગ્રેડ ચક્ર આગળ વધતું રહેવાની સંભાવના છે અને ૪–૫% સુધી વધુ ઘટાડાનો અંદાજ છે.