વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ૬.૩%થી વધારી ૬.૫% કર્યું છે. અનુમાનમાં આ વધારો સ્થાનિક વપરાશમાં સુધારો, કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વૃદ્ધિ અને ગ્રામીણ રોજગારીમાં વધારાને કારણે થયો છે. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, ભારત આ વર્ષે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. જો કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વૃદ્ધિનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર લાગુ કરેલો ૫૦% ટેરિફ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી વર્ષે જોવા મળી શકે છે.
દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં બાંગ્લાદેશ માટે ૪.૮%, ભૂટાન માટે હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં વિલંબને કારણે ૭.૩%, માલદીવ્સ માટે ૩.૯% અને શ્રીલંકા માટે ૩.૫%નો જીડીપી ગ્રોથ અનુમાન મૂકાયો છે. નેપાળમાં રાજકીય અસ્થિરતા અને આર્થિક અનિશ્ચિતતાને કારણે ગ્રોથ રેટ ઘટીને ૨.૧% રહેવાની સંભાવના છે. શ્રીલંકામાં ટુરિઝમ અને સર્વિસ એક્સપોર્ટમાં સુધારાને કારણે વૃદ્ધિની ગતિ તેજ રહેવાની શક્યતા છે. વર્લ્ડ બેંકના સાઉથ એશિયા વાઇસ પ્રેસિડન્ટ જોહાન્સ જુટે જણાવ્યું કે, “દક્ષિણ એશિયામાં અનેક આર્થિક ક્ષમતાઓ છે, અને તે હાલ વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર છે. જો આ ક્ષેત્ર પોતાની જોખમકારક પડકારોને પહોંચી વળશે, તો વિકાસની ગતિ વધુ તેજ થઈ શકે છે.”
આરબીઆઈએ પણ ઑક્ટોબર મહિનાની એમપીસી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે GDP વૃદ્ધિનું અનુમાન ૬.૫%થી વધારી ૬.૮% કર્યું છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા મુજબ, બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ૭%, ત્રીજા ત્રિમાસિકમાં ૬.૪% અને ચોથા ત્રિમાસિકમાં ૬.૨% રહેવાની ધારણા છે. મોંઘવારીની દ્રષ્ટિએ પણ સ્થિતિ અનુકૂળ છે. રિટેલ મોંઘવારી ૨.૬% રહેવાની ધારણા છે, જે ઓગસ્ટમાં નોંધાયેલા ૩.૧%થી ઓછી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ફુગાવો ૪% સુધી મર્યાદિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.