જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ સર્જાય છે, ત્યારે મોટાભાગના રોકાણકારો અને સેન્ટ્રલ બૅન્કો સેફહેવન તરફ ડાયવર્ટ થાય છે. વર્તમાન પડકારોના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે વોલેટિલિટી સાથે મોટા કડાકા નોંધાતા સોના-ચાંદીની માંગમાં વધારો જોવા મળ્યો છે.
સોનું ૧,૨૫,૦૦૦ અને ચાંદી ૧,૫૦,૦૦૦ રૂપિયાને પાર…. આ બંનેના ભાવ ઘેર ઘેર ચર્ચાનો વિષય બન્યા છે. બજારોમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનો ડર ઝળુંબી રહ્યો છે ત્યારે બીજી તરફ સોના-ચાંદીમાં તેજીએ સૌને આકર્ષ્યા છે. દેશ આઝાદ થયાના ૭૭ વર્ષ થયા ત્યારે સોનાનો ભાવ તોલાનો ૧૦૩ રૂપિયા અને ચાર આના હતો જ્યારે ચાંદીનો ભાવ કિલોના ૧૬૩ રૂપિયા હતો. ત્યારે ડોલર સામે રૂપિયાના માંડ બે રૂપિયા હતા.
વર્ષ ૧૯૬૪માં જ્યારે આનાનું ચલણ દુર થયું ત્યારે સોનાનો ભાવ ૬૩ રૂપિયા હતો. આઝાદીના આજે ૭૭ વર્ષ પછી તે એક લાખને પાર પહોંચ્યું છે. ટૂંકમાં જે લોકો પાસે કૌટુંબીક સ્તરનું કે વારસાઇમાં આવેલું સોનું છે તેમના માટે હાલનો સમય ગોલ્ડન કહી શકાય. એક સમયે સોનું સંકટ સમયની સાંકળ કહીને ભેગુ કરાતું હતું અને લગ્ન સમયે પણ કુટુંબની પરંપરા તરીકે આપાતું હતું. મધ્યમ વર્ગ જો શેરબજારમાં રોકાણ કરવા તરફ ના વળ્યો હોત તો આજે સોનાના ભાવ સવા લાખ રૂપિયા પર પહોંચી ગયો હતો.
શેરબજારમાં જે કૌભાંડો સપાટી પર આવ્યા તેવા કોઇ કૌભાંડો સોનાના ભાવો બાબતે જોવા મળ્યા નહોતા. શેરબજારે ઘણાને રોવડાવ્યા છે અને પૈસે ટકે પાયમાલ બનાવી દીધા છે. પરંતુ સોનાએ કોઇને પાયમાલ બનાવ્યા નથી. તેની લગડી ખરીદીને મુકી રાખનારા પણ આજે પાંચ વર્ષે તેમની મૂડી બમણી કરી શકે છે. લગ્નોમાં જ્યારે ઘરની દિકરીને સોનું આપવાનો રિવાજ કાયમી બની ગયો ત્યારે કેટલાક સમાજમાં લગ્નોમાં લેતી દેતીના વ્યવહારોમાં દિકરીને ૭૦ તોલા જેટલું સોનું આપાતું હતું. મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી હંમેશા સપનાં સમાન રહી છે. કુટુંબની આદર્શ ગૃહિણીઓએે પોતાના સંતાનોના લગ્ન તેમજ તેમના ઉચ્ચ શિક્ષણ માટે કટકે કટકે સોનું ભેગું કરવાની અપનાવેલી ટેવ તેમને ઉપયોગી બનતી હતી.
સોનામાં રોકાણને સાયલન્ટ કહેવાતું હતું. મોટા ભાગના ઘરોમાં સોનાનો વહિવટ ઘરની ગૃહિણીઓના હાથમાં હોવાથી તેને આડેધડ વેચવાના વિચારને બહુ ચાન્સ નહોતો મળતો. જ્યારે વીમાની સિસ્ટમ કે કેશલેસ વીમા સિસ્ટમ નહોતી ત્યારે હોસ્પિટલના ઇમર્જન્સી ખર્ચ માટે લોકો સોનું ગીરવે મુકતા હતા કે તે વેચી દેતા હતા. એટલે જ તેને સંકટ સમયની સાંકળ કહેતા હતા. મોટાભાગની હોસ્પિટલોની બહાર સોના ચાંદી પર નાણા ધીરનારની દુકાનો જોવા મળે છે તેની પાછળનું કારણ સોનું વેચીને રોકડા ઉભા કરવાનું હોય છે.
માત્ર મધ્યમ વર્ગ માટે સોનું સંકટ સમયની સાંકળ સાબિત થાય છે એવું નથી ભારત સરકારે પણ સંકટ સમયે સોનું વેચ્યું હતું. વર્ષ ૧૯૯૧માં વિદેશી હૂંડિયામણ ઉભું કરવા ભારત સરકારે ૨૦ ટન સોનું વેચ્યું હતું. વર્ષ ૨૦૨૪માં લોકોના ધ્યાનમાં આવ્યું હતું કે યુકેના ડોમેસ્ટીક વોલ્ટમાં ભારતનું ૧૦૦ ટન એટલે કે એક લાખ કિલો સોનું ખસેડાયું છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા અનુસાર, માર્ચ માસ દરમિયાન દેશનો સોનાનો ભંડાર વધીને ૮૮૦ ટન થયો છે. આ રીતે, આ વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન, આરબીઆઈએ અંદાજીત ૩.૩૭ ટન સોનું ખરીદ્યું છે. સતત ખરીદી અને ભાવમાં વધારાને પગલે, રિઝર્વ બેંકના કુલ ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને ૧૫%ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે.
આ ગણત્રીમાં હજુ ભારતના લોકો પાસે રહેલા સોનાની ગણતરી કરાઇ નથી. દરેક ધરમાંથી ઓછામાં ઓછું ૧૦ તોલા સોનું મળી શકે છે. એક અંદાજ પ્રમાણે કેટલાક સમાજમાં દિકરીના લગ્નમાં ૬૦ તોલા જેટલું સોનું આપવાનો રિવાજ ચાલ્યો આવે છે. સમાજની શરમે પણ આ વ્યવહાર લોકો આગળ વધાર્યા કરે છે. હકીકત તો એ છે કે ભારતના લગ્નો સોના સિવાય શક્ય નથી એમ કહી શકાય. જેમની જેટલી આર્થિક શક્તિ એટલું સોનું અપાય છે. પરંતુ સોનું હોય જ છે. તે ક્યાં તો બ્રાઇડલ જ્વેલેરીના રૂપમાં હોય છે કે દિકરીને મંગળ સૂત્રની ભેટ રૂપે હોય છે. આ પરંપરા એટલી મજબૂતાઇથી ચાલી આવે છે કે આજે દરેક ઘરોમાં સોનું જોવા મળે છે. એટલે જ મધ્યમ વર્ગ દિકરીના લગ્ન માટે કટક કટકે સોનું ભેગું કરે છે.
ભારત સોનાની સૌથી વધુ આયાત કરતો દેશ છે. સોનાની ખરીદી માટે અક્ષય તૃતીયા કે ધનતેરસના દિવસોએ લોકોને સોનું ખરીદવા પ્રોત્સાહીત કરાતા હોય છે. એક અંદાજ પ્રમાણે ભારતની મહિલાઓ પાસે ૧૧% જેટલું સોનું છે. જેનો કોઇ ચોક્કસ આંકડો નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અંદાજ મુજબ ભારતની મહિલાઓ પાસે અંદાજીત ૨૪૦૦૦ ટન જેટલું સોનું છે જે વિશ્વના કુલ સોનાના ૧૧% જેટલું છે. ભારતની મહિલાઓ પાસે રહેલા સોનાની સરખામણી કરીયે તો તે વિશ્વના ટોચના પાંચ દેશોના ગોલ્ડ રિઝર્વ જેટલું થાય. અમેરિકા પાસે ૮૦૦૦ ટન, જર્મની પાસે ૩૩૦૦ ટન, ઇટલી પાસે ૨૪૫૦ ટન, ફ્રાન્સ પાસે ૨૪૦૦ ટન અને રશિયા પાસે ૧૯૦૦ ટનના સરવાળા જેટલું સોનું ભારતની મહિલાઓ પાસે છે. એવું માનવાનું જરૂર નથી કે ગુજરાતના ઘરોમાં વધુ સોનું છે, દક્ષિણ ભારતમાં ભારતના કુલ સોનાના ૪૦% જેટલું સોનું છે. જ્યાં માત્ર તમિલનાડુમાં જ ૨૮% સોનું છે.
સોનામાં આક્રમક તેજીનું એક કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના જ દેશની સેન્ટ્રલ બૅન્ક ફેડ રિઝર્વના ચેરમેનની ટીકા કરવાનું પણ છે. ટ્રમ્પે ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા કરતાં કહ્યું કે, જો તેઓ વ્યાજના દરોમાં ઘટાડો નહીં કરે તો અમેરિકામાં મંદી આવશે પરંતુ ફેડએ અગાઉ જ નિવેદન આપી દીધું હતું કે, તેઓ વર્તમાન ટેરિફના માહોલમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની ઉતાવળ કરશે નહીં. ટેરિફના કારણે દેશમાં ફુગાવો ફાટી નીકળવાની શક્યતાઓ વધી છે. અમેરિકામાં મંદીની ભીતિ સુનિશ્ચિત થતાં સોના-ચાંદીમાં ખરીદી વધી છે.
વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો તથા ગોલ્ડ ઈટીએફસ તરફથી થઈ રહેલી ખરીદીને કારણે તાજેતરના સમયમાં સોનાની માગ ઊંચી જોવા મળી છે. સોનાની તેજીની સફર ક્યાં જઇને અટકશે તે કહેવું મુશ્કેલ છે પણ આર્થિક તથા નાણાંકીય સ્થિતિ કથળશે અને ભૌગોલિક આર્થિક તાણ વધશે તો સોનામાં સેફહેવન માગ વધશે અને તેજીની સ્થિતિમાં વૈશ્વિક સોનાના ભાવ વર્તમાન સ્તરેથી ૧૫% વધી દિવાળી અને ડિસેમ્બર અંત સુધીમાં પ્રતિ ઔંસ ૩૮૪૦ ડોલર પહોંચવાની ધારણાં મૂકી હતી તે મુજબ ગોલ્ડ આજે દિવાળી પહેલાં તારીખ ૦૮.૧૦.૨૦૨૫ ના રોજ પ્રતિ ઔંસ ૪૦૪૪ ડોલરના ભાવે ટ્રેડ થઇ રહેલ જે વર્તમાન વર્ષમાં સોનામાં અંદાજે ૪૦% વળતર મળી રહ્યું ગણાશે.
એશિયામાં સૌથી વધુ અને વૈશ્વિક સ્તરે ભારતને ટોપ-૪ દેશોમાં સ્થાન આપનાર ગોલ્ડ ઈટીએફ સપ્ટેમ્બર ૨૦૨૫માં એક્સચેન્જ – ટ્રેડેડ ફંડ્સમાં અંદાજીત ૯૦.૨ કરોડ ડોલર એટલે કે આશરે ૮૦૦૦ કરોડનું ઐતિહાસિક નેટ ઇનફ્લો નોંધાયું છે. આ રોકાણ અગાઉના મહિના એટલે કે ઓગસ્ટના ૨૩.૨ કરોડ ડોલરની તુલનામાં ૨૮૫%નો જબરદસ્ત ઉછાળો દર્શાવે છે. વૈશ્વિક અને એશિયાઈ સ્તરે ભારતનું વર્ચસ્વ સપ્ટેમ્બરમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં કુલ ૧૭૯ અરબ ડોલરનું રોકાણ નોંધાયું. આમાં અમેરિકા ૧૦.૩ અરબ ડોલર સાથે પ્રથમ સ્થાને, બ્રિટન ૨.૨૩ અરબ ડોલર સાથે બીજા, સ્વિટ્ઝરલેન્ડ ૧.૯ અરબ ડોલર સાથે ત્રીજા અને ભારત ૯૦.૨ કરોડ ડોલર સાથે ચોથા સ્થાને રહ્યું.
એશિયામાં ગોલ્ડ ઈટીએફમાં કુલ ૨.૧ અરબ ડોલરનું રોકાણ થયું, જેમાં ભારતનો હિસ્સો સૌથી મોટો રહ્યો. ચીનમાં ૬૨.૨ કરોડ ડોલર અને જાપાનમાં ૪૧.૫ કરોડ ડોલરનું રોકાણ નોંધાયું. વર્ષ ૨૦૨૫માં સૌથી મોટા વાર્ષિક રેકોર્ડ સાથે અત્યાર સુધી ભારતીય ગોલ્ડ ઈટીએફમાં કુલ ૨.૧૮ અરબ ડોલરનું રોકાણ થયું છે તુલનાત્મક રીતે જોઈએ તો વર્ષ ૨૦૨૪માં ૧.૨૯ અરબ ડોલર, વર્ષ ૨૦૨૩ માં ૩૧ કરોડ ડોલર અને વર્ષ ૨૦૨૨માં માત્ર ૩.૩ કરોડ ડોલરનું રોકાણ થયું હતું. આ આંકડાઓ ગોલ્ડ ઈટીએફની વધતી લોકપ્રિયતા અને જે રોકાણકારોની ગોલ્ડ પ્રત્યે વધતી રુચિ સાથે વધતા વિશ્વાસને દર્શાવે છે.
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે લોકોને શેરબજાર કરતાં સોનામાં રોકાણ સલામત લાગી રહ્યું છે. વૈશ્વિક બજારોની અનિશ્ચિતતા હોવા છતાં સોના-ચાંદીમાં તેજી દરેક માટે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે અગામી દિવસોમાં જીઓ પોલિટિકલ ટેન્શન, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની અસર તેમજ વૈશ્વિક અનિશ્ચિતતા ઉપર બજારો પર કેટલી રહે છે તેના પર સોનાની તેજીનો આધાર રહેશે.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!
Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before trading / investing, mentioned on www.nikhilbhatt.in