ગયા સપ્તાહના જોરદાર ધબડકા બાદ બિટકોઈનમાં નવા સપ્તાહની શરૂઆતથી જ રિકવરી સાથે થઈ છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ફરી એકવાર ૧,૧૫,૦૦૦ ડોલરના સ્તરને પાર કરી ગયો છે, કારણ કે રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો નીચા સ્તરે લેવાલી કરી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા ચીનમાંથી આયાત થતા તમામ સોફ્ટવેર પર ૧૦૦% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ગયા સપ્તાહમાં ક્રિપ્ટો માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.
બિટકોઈને તેના ઓલટાઈમ હાઈ ૧,૨૬,૧૯૮ ડોલરના સ્તર પરથી ધબડકો ખાઈ ૧,૧૧,૩૦૦ ડોલર સુધી નીચે આવ્યો હતો. આ ધબડકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૯ અબજ ડોલરનું ધોવાણ થયું હતું. જે ક્રિપ્ટો ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હતું. તેથી વર્તમાન સપ્તાહના પ્રારંભમાં અનેક હકારાત્મક પરિબળો જોવા મળ્યા છે. હમાસ દ્વારા ઈઝરાયલના કેટલાક બંધકોને મુક્ત કરવાના અહેવાલો બાદ યુદ્ધવિરામની શક્યતા વધી છે, જેનાથી બજારમાં વિશ્વાસ વધ્યો છે.
સાથે જ, આ મહિનાના અંતે યોજાનારી અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની આશાએ પણ બિટકોઈનમાં રિકવરી જોવા મળી રહી છે. બિટકોઈન ઉપરાંત અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સી એથરમ પણ તેજી દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહમાં એથરમનો ભાવ ૩૭૯૮ ડોલર સુધી ઘટ્યો હતો, પરંતુ હવે તે ફરીથી ૪૦૦૦ ડોલરને પાર કરી ગયો છે. રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના આવનારા ભાષણ પર ટકેલી છે. વ્યાજ દરમાં કપાત અંગેના કોઈપણ હકારાત્મક સંકેત ક્રિપ્ટો માર્કેટ માટે વધુ ઉછાળો લાવી શકે છે.