ભારતની નેટ ડાયરેક્ટ ટેક્સ આવક ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષમાં ૧૨ ઑક્ટોબર સુધી ૬.૩૩%ના વધારા સાથે રૂ.૧૧.૮૯ લાખ કરોડ સુધી પહોંચી છે, એમ ઇન્કમ ટેક્સ વિભાગે સોમવારે જાહેર કરેલ તાજા આંકડામાં જણાવ્યું. કુલ ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ વસુલાત રૂ.૧૩.૯૨ લાખ કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાનના રૂ.૧૩.૬૦ લાખ કરોડથી વધુ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કોર્પોરેટ ટેક્સ વસુલાતમાં વધારો અને રિફંડની ધીમી ગતિને કારણે નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન રૂ.૨.૦૩ લાખ કરોડના રિફંડ આપવામાં આવ્યા, ગયા વર્ષના રૂ.૨.૪૧ લાખ કરોડની સરખામણીએ ૧૬% ઓછા છે.
કોર્પોરેટ ટેક્સ વસુલાત રૂ.૪.૯૧ લાખ કરોડથી વધી રૂ.૫.૦૨ લાખ કરોડ થઈ, જ્યારે નોન-કોર્પોરેટ વસુલાત રૂ.૫.૯૪ લાખ કરોડથી વધી રૂ.૬.૫૬ લાખ કરોડ થઈ છે. ૨૦૨૫-૨૬ માટે કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટેક્સ વસુલાતનું લક્ષ્ય રૂ.૨૫.૨૦ લાખ કરોડ નક્કી કર્યું છે, જે ગયા વર્ષની વાસ્તવિક વસુલાત કરતાં ૧૨.૭% વધારે છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વસુલાત આ સમયગાળા દરમિયાન રૂ.૩૦૮૭૮ કરોડ સુધી પહોંચી, જે ગયા વર્ષની સરખામણીએ થોડો વધારો દર્શાવે છે.
બીજી તરફ, ઇનડાયરેક્ટ ટેક્સ હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ વસુલાત પણ મજબૂત રહી. સપ્ટેમ્બર ૨૦૨૫માં જીએસટી વસુલાત ૯.૧% વધીને રૂ.૧.૮૯ લાખ કરોડ થઈ. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ છે. સતત નવમા મહિને જીએસટી વસુલાત રૂ.૧.૮ લાખ કરોડથી વધુ રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ જીએસટી વસુલાત રૂ.૫.૭૧લાખ કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૭.૭% વધારે છે, જો કે પ્રથમ ત્રિમાસિકમાં ૧૧.૭% વૃદ્ધિ નોંધાઈ હતી.