ચીન Ladakhને ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ માનતું નથી અને ભારત દ્વારા નામ નક્કી કરવાથી લદ્દાખ ક્ષેત્ર પર ચીનનો માલિકી હક કે દાવો બદલાશે નહીં
New Delhi, તા.૧૫
કેન્દ્રશાસિત પ્રદેશ Ladakh પર ચીન દ્વારા કરવામાં આવેલા દાવા સામે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે લદ્દાખ ભારતનો અવિભાજ્ય અને અખંડ ભાગ છે અને બેઇજિંગના ઇનકાર કરવાથી નક્કર વાસ્તવિકતા બદલાઈ જવાની નથી. ઉલ્લેખનીય છે કે, બીજી ઓક્ટોબરે ભારત સરકારના ‘સર્વે ઓફ ઇન્ડિયા’ દ્વારા લદ્દાખના ૨૮ વ્યૂહાત્મક સ્થળો અને ભૌગોલિક ક્ષેત્રોની સત્તાવાર ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
આ યાદીમાં એલએસી પાસે આવેલા ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા વિવાદાસ્પદ વિસ્તારો પણ સામેલ છે, જ્યાં ૨૦૨૦માં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક તણાવ સર્જાયો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે ભારતના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ચીન લદ્દાખને ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ માનતું નથી અને ભારત દ્વારા નામ નક્કી કરવાથી લદ્દાખ ક્ષેત્ર પર ચીનનો માલિકી હક કે દાવો બદલાશે નહીં. ચીનની ટિપ્પણીનો વળતો પ્રહાર કરતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે લદ્દાખ પર ભારતના સાર્વભૌમત્વ અંગે કોઈ શંકા નથી. સ્થાનિક સત્તાધીશો અને હિતધારકોની સલાહથી નકશો તૈયાર કરાયો છે. ચીન ભલે હકીકતનો અનાદર કરે, પરંતુ તેનાથી ભૌગોલિક સત્ય બદલાશે નહીં.

