Panchmahal, તા.૧૫
જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન એક દુઃખદ અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. માતાજીના દર્શન કરવા આવેલા એક યુવકનું શોર્ટકટ રસ્તેથી પસાર થતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં અંદાજે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકવાથી ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે.
મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ અનિલ શંકર ભીલ તરીકે થઈ છે, જે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરપૂર ગામનો વતની હતો અને હાલ વડોદરાના વાઘોડિયા વસાહત વિસ્તારમાં રહેતો હતો. અનિલ પોતાના અન્ય ત્રણ સાથીદારો અને બે નાનાં બાળકો સાથે નવરાત્રિના પાવન અવસરે માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે પાવાગઢ આવ્યો હતો.
દુર્ઘટના તે સમયે ઘટી જ્યારે અનિલ અને તેનો સંઘ ભદ્રકાળી મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઝડપથી પહોંચવાના ચક્કરમાં અનિલ નિર્ધારિત સુરક્ષિત રસ્તો છોડીને જોખમી શોર્ટકટ માર્ગ પરથી ઉતરી રહ્યો હતો. તે જ સમયે અચાનક પગ લપસી જતાં તેણે પોતાનું શારીરિક સંતુલન ગુમાવ્યું હતું અને સીધો ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં પટકાયો હતો. સાથીદારો અને નાના બાળકોની નજર સામે જ બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ગોધરા જીડ્ઢઇહ્લ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ અને હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખીણ અત્યંત ઊંડી અને દુર્ગમ હોવાને કારણે રેસ્ક્યૂ કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલ બની હતી. જોકે, બંને ટીમોએ ભારે જહેમત અને સંકલન સાથે ખીણમાં ઉતરીને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને બાદમાં તેને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. તંત્ર અને પોલીસ દ્વારા નવરાત્રિમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે દર્શન દરમિયાન કોઈપણ જાતના જોખમી શોર્ટકટ માર્ગોનો ઉપયોગ ન કરવો અને માત્ર પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા સુરક્ષિત રસ્તાઓ પર જ ચાલવું, જેથી આવી અણધારી દુર્ઘટનાઓથી બચી શકાય.

