આ કૌભાંડમાં સદામ ટાયર વર્ક્સનાં બિલોમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા
Morbi, તા.૧૯
Morbi મહાનગરપાલિકામાં બોગસ બિલિંગ કૌભાંડનો મામલો સામે આવ્યા બાદ હવે રાજ્યના મંત્રી Kanti Amrutiaએ આ અંગે નિવેદન આપ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે સંકલન બેઠકમાં આ કૌભાંડની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કમિટી પણ બનાવવામાં આવી છે.
બોગસ બિલિંગ સંબંધિત ૩૦ પાનાનું સાહિત્ય હોવાનો ઉલ્લેખ કરીને તેમણે તેની સઘન તપાસ કરવા સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું. આ મામલે જવાબદારોને માત્ર સસ્પેન્ડ કરવાને બદલે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. મંત્રી કાંતિ અમૃતિયાએ પણ જવાબદારો સામે કોઈપણ પ્રકારની બાંધછોડ વગર કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે. આ કૌભાંડમાં સદામ ટાયર વર્ક્સનાં બિલોમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા. આ બિલોમાં બિલ નંબર એકસરખા હોવા છતાં તારીખ અને રકમ અલગ-અલગ હોવાનું જોવા મળ્યું હોવાનો આક્ષેપ છે. આ રીતે ડુપ્લીકેટ બિલ તૈયાર કરીને મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે. આક્ષેપ મુજબ, બિલમાં આંકડાઓ સાથે ચેડાં કરીને સરકારી નાણાં પાસ કરાવવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
બોગસ બિલિંગના કથિત ખેલમાં આંકડાઓ સાથે ચેડાં કરીને બિલની રકમ વધારવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એક કિસ્સામાં રૂ.૫૦૦ના બિલની આગળ એકડો ઉમેરીને તેને રૂ.૧,૫૦૦નું બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક બિલમાં રૂ.૭૦૦ની આગળ આંકડા ઉમેરીને તેને સીધું રૂ.૧૦,૭૦૦નું બનાવી મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ રીતે બિલ રજૂ કરીને નાણાં પાસ કરાવી લેવામાં આવ્યાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલામાં અન્ય એક ચોંકાવનારી બાબત એ છે કે બંધ થઈ ગયેલી પેઢીનાં નામે પણ ડુપ્લીકેટ બિલ બનાવવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે. જો આ આક્ષેપો તપાસમાં સાચા સાબિત થાય તો મહાનગરપાલિકાના બિલિંગ અને ચુકવણીની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. હાલ મંત્રી કાંતિ અમૃતિયાએ તપાસ માટે સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું છે. હવે તપાસ કમિટી દ્વારા કથિત બોગસ બિલિંગ, બિલમાં કરવામાં આવેલા ફેરફારો, નાણાંની ચુકવણી અને તેમાં સંડોવાયેલા જવાબદારો અંગે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે સમગ્ર કૌભાંડની હકીકત અને જવાબદારોની ભૂમિકા સ્પષ્ટ થશે.

