અમરાઈવાડી પોલીસે રોહિત ઉર્ફે ગાંડો અને મદન રાજપૂતની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી
Ahmedabad, તા.૨૦
અમરાઈવાડીમાં ગુલાબનગરમાંથી શનિવારની મોડી રાતે મિત્રો સાથે ગરબા જોઈને ઘરે જઈ રહેલા યુવકને તેના નાના ભાઈની આંખ સામે જ બે શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં બે આરોપીએ યુવકની પીઠ અને પેટ પર ઉપરાછાપરી ચાકુના ઘા ઝીંકી દેતાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમરાઈવાડીમાં ૨૮ વર્ષીય વિકેશ હરિસિંહ ગુર્જર લિફ્ટ રિપેરિંગ અને ફિટિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નવરાત્રિ પર્વ હોવાથી ગત શનિવારની રાત્રે વિકેશ પોતાના ભાઈ અભિષેક ગુર્જર તેમજ અન્ય મિત્રો સાથે ગુલાબનગરમાં રહેતા મિત્રના ત્યાં ગરબા જોવા માટે ગયો હતો. મોડી રાત્રે ગરબા પૂરા થયા બાદ વિકેશ અને તેનો ભાઈ ચાલીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગુલાબનગર પાસે જ અગાઉથી ઘાત લગાવીને બેઠેલા રોહિત ઉર્ફે ગાંડો અને મદન રાજપૂત નામના બે શખ્સોએ વિકેશ અને તેના ભાઈને રસ્તામાં રોક્યા હતા. બે મહિના અગાઉ મદન રાજપૂત અને વિકેશ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ વાતની અદાવત રાખીને મદન રાજપૂતે વિકેશ સાથે ફરી તકરાર શરૂ કરી હતી.
આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતાં મદન રાજપૂતના ઉશ્કેરાટથી તેની સાથે આવેલા રોહિત ઉર્ફે ગાંડાએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ ધારવાળી છરી કાઢીને વિકેશના પેટ અને પીઠના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. બંને હુમલાખોર સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વિકેશને તેના ભાઈ અને અન્ય મિત્રોએ ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં વધુ પડતું લોહી વહી જવાના લીધે સારવાર દરમિયાન વિકેશે દમ તોડ્યો હતો. વધુમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા રોહિત ઉર્ફે ગાંડા વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન અને તડીપારના ગુનાનો ભંગ કરવાના ગુના પણ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. અમરાઈવાડી પોલીસે રોહિત ઉર્ફે ગાંડો અને મદન રાજપૂતની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

