Mumbai, તા.૨૪
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન મુંબઈના રિયલ એસ્ટેટ સોદાને લઈને ફરી ચર્ચામાં છે. તેમણે બાંદ્રા વેસ્ટમાં આવેલા હાઈ-કોન્સ રેસિડન્સી બિલ્ડિંગમાં ૭૯૭ ચોરસ ફૂટ કાર્પેટ એરિયાનો ફ્લેટ ૪.૧૧ કરોડમાં વેચ્યો છે. આ સોદામાં બે ખુલ્લી પાર્કિંગ સ્પેસનો પણ સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપની દ્વારા મેળવવામાં આવેલા મિલકત નોંધણીના દસ્તાવેજોમાંથી આ વિગતો સામે આવી છે. મિલકતના દસ્તાવેજો અનુસાર, વેચાણનો કરાર ૭ માર્ચ, ૨૦૨૪ના રોજ કરવામાં આવ્યો હતો અને ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ તેની નોંધણી થઈ હતી. ખરીદદારોએ ૭ માર્ચ, ૨૦૨૪ના રોજ જ ફ્લેટનો કબજો મેળવી લીધો હતો. જોકે, અંતિમ વેચાણ દસ્તાવેજ ૧૯ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ તૈયાર કરીને નોંધાવવામાં આવ્યો હતો. આ વ્યવહાર માટે ૨૪.૬૬ લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી હતી. આ ફ્લેટ સૈફ અલી ખાનની વર્ષો જૂની મિલકતનો એક ભાગ છે. નોંધણીના રેકોર્ડ મુજબ, તેમણે ૩૦ માર્ચ, ૨૦૦૭ના રોજ હાઈ-કોન્સ રેસિડન્સીમાં બે માળમાં ફેલાયેલો આશરે ૬,૦૦૦ ચોરસ ફૂટનો યુનિટ ૯.૭ કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ ૧૯ જૂન, ૨૦૧૪ના રોજ આ મિલકતને ત્રણ અલગ-અલગ ફ્લેટમાં વિભાજિત કરવામાં આવી હતી. તેમાં આશરે ૨,૯૯૭ ચોરસ ફૂટ અને ૨,૨૦૫ ચોરસ ફૂટના બે ફ્લેટ ઉપરાંત ૭૯૭ ચોરસ ફૂટનો ફ્લેટ હતો, જે હવે વેચવામાં આવ્યો છે. સૈફ અલી ખાનનો મુંબઈમાં રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો બીજો સોદો પણ તાજેતરમાં સામે આવ્યો છે. તેમણે અંધેરી-કુર્લા રોડ પર આવેલી બે કોમર્શિયલ યુનિટ્સ દુર્વા ફિનટેક પ્રાઈવેટ લિમિટેડને ભાડે આપી છે. આ બંને યુનિટ્સનું કુલ રેરા કાર્પેટ એરિયા ૫,૬૯૨ ચોરસ ફૂટ છે અને તેના બદલામાં દર મહિને ૨૨.૭૬ લાખ ભાડું મળશે. આ લીઝ કરારની નોંધણી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી અને તેની મુદત પાંચ વર્ષની છે. મુંબઈમાં સૈફ અલી ખાનની અન્ય મિલકતોમાં બાંદ્રાના સતગુરુ શરણ બિલ્ડિંગમાં આવેલું તેમનું પરિવારનું નિવાસસ્થાન પણ સામેલ છે. અહેવાલો અનુસાર, ૬,૫૦૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતો આ ફ્લેટ તેમણે એપ્રિલ ૨૦૧૨માં ૨૩.૫૦ કરોડમાં ખરીદ્યો હતો. તાજેતરના મિલકત વ્યવહારો દર્શાવે છે કે અભિનેતા રહેણાક મિલકતો ઉપરાંત કોમર્શિયલ પ્રોપર્ટી ક્ષેત્રે પણ સક્રિય છે.

