ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી (PE) કંપનીઓ હવે સીધા વિદેશી રોકાણ (FDI)ના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવી છે અને રોજગાર સર્જનના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. દેશમાં પ્રાઈવેટ ઇક્વિટીનો પ્રવેશ હજી પણ મર્યાદિત છે, પરંતુ ભારત છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાતું હોવાથી, આગામી વર્ષોમાં આ ક્ષેત્ર માટે વિશાળ તકો સર્જાઈ રહી છે.
ઉદ્યોગના વરિષ્ઠ સૂત્રોના કહેવા મુજબ, ભારત ખાનગી ઇક્વિટીની વૈશ્વિક માંગમાં અગ્રેસર બનવાનું સંભાવન ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ભારત વૈકલ્પિક રોકાણ માટે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બજાર રહ્યું છે. આનો એક મુખ્ય કારણ એ છે કે દેશે નાના આધારથી શરૂઆત કરી હતી, જેના કારણે પ્રાઈવેટ ઇક્વિટી પોતાની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરી શકી નહોતી. પરંતુ હવે પૂરતા ડેટા અને મજબૂત વલણો દર્શાવે છે કે ભારત પ્રાઈવેટ ઇક્વિટી માટે મુખ્ય પ્રવાહનું સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
પરંપરાગત રીતે, બેંકો, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય ક્ષેત્રના મુખ્ય સ્તંભ રહ્યા છે. તેમ છતાં, છેલ્લા ૨૫ વર્ષમાં પ્રાઈવેટ ઇક્વિટીએ જાહેર બજારોની સરખામણીએ સરેરાશ ૬.૭ ટકાનો વધારાનો પરત આપ્યો છે. વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રમાં રોકાણ ૨ ટ્રિલિયન ડોલરથી પણ વધી ગયું છે, જે દર્શાવે છે કે પ્રાઈવેટ ઇક્વિટી હવે વિશ્વવ્યાપી નાણાકીય પ્રવાહનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ભારતમાં પણ સોદાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશની આર્થિક ઇકોસિસ્ટમ વધુ ગતિશીલ બની રહી છે અને અહીંના ફંડ મેનેજરો તથા વેલ્થ મેનેજરો માટે હવે સ્થાનિક મૂડીની મોટી ઉપલબ્ધતા છે. અતિ-ધનવાન વ્યક્તિઓ અને પરિવારની ઓફિસો તેમના રોકાણોમાંથી એક ભાગ પ્રાઈવેટ ઇક્વિટીમાં ફાળવી રહી છે. હાલ આ ફાળવણી આશરે ૭થી ૮ ટકા જેટલી છે, પરંતુ આવનારા સમયમાં તે વધીને ૧૫થી ૧૬ ટકાના સ્તરે પહોંચી શકે છે એવી અપેક્ષા છે.

