ભારતના સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેક્સ (પીએમઆઈ) ઓક્ટોબરમાં થોડો ઘટીને ૫૮.૯૦ રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં ૬૦.૯૦ નોંધાયો હતો. માંગમાં સ્થિરતા અને ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડા છતાં, પીએમઆઈનું સ્તર એકંદરે મજબૂત જળવાયેલું છે. ઓક્ટોબરનો પીએમઆઈ વર્તમાન વર્ષના મે પછીનો સૌથી નીચો રહ્યો છે, જોકે ૫૦ના સ્તરથી ઘણો ઉપર હોવાથી ક્ષેત્રમાં વિસ્તરણ ચાલુ હોવાનું સૂચવે છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ઈન્ડિયા સર્વિસિઝ પીએમઆઈ સર્વે અનુસાર, જીએસટીમાં મળેલી રાહતે સેવા ક્ષેત્રને ટેકો આપ્યો છે, પરંતુ વધતી સ્પર્ધા અને વરસાદને કારણે વિસ્તરણની ગતિ થોડી ધીમી પડી છે.
૫૦થી ઉપરનો પીએમઆઈ સામાન્ય રીતે વૃદ્ધિ દર્શાવે છે. ઓક્ટોબરનો પીએમઆઈ લાંબા ગાળાની સરેરાશ ૫૪.૩૦ની સરખામણીએ હજી પણ વધુ છે, જે ક્ષેત્રની સકારાત્મક સ્થિતિ બતાવે છે. કાચા માલના ખર્ચમાં વધારો ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો, જેના કારણે સેવા પૂરી પાડતી કંપનીઓને રાહત મળી હતી. પરંતુ સેવા તથા ઉત્પાદન બંને ક્ષેત્રનો સંયુક્ત પીએમઆઈ સપ્ટેમ્બરના ૬૧ પરથી ઘટીને ઓક્ટોબરમાં ૬૦.૪૦ રહ્યો છે. નવા બિઝનેસ ઓર્ડરોમાં વૃદ્ધિની ગતિ પાંચ મહિનાની નીચી સપાટીએ જોવા મળી હતી.
જીએસટીમાં સુધારાને કારણે ભાવના દબાણમાં રાહત મળી છે, જ્યારે સેવા પ્રદાનના ખર્ચમાં વધારો સાત મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. સેવા સમયસર પૂરી પાડવા માટે કંપનીઓએ કર્મચારી ભરતીમાં વધારો કર્યો, જોકે ભરતીની ગતિ ૧૮ મહિનાની નીચી રહી હોવાનું સર્વેમાં નોંધાયું છે. ભરતીમાં આ વધારો બાકી પડેલા ઓર્ડર પૂર્ણ કરવામાં સહાયરૂપ બન્યો હોવાનું પણ ઉલ્લેખાયું છે. અનિશ્ચિતતા હોવા છતાં, સેવા પૂરી પાડતી કંપનીઓ ભાવિ વેપાર પ્રવૃત્તિ અંગે આશાવાદી રહી છે. માંગમાં સ્થિરતા અને સ્પર્ધાત્મક ભાવ નીતિને કારણે આ આશાવાદ જળવાયેલો છે. સેવા ક્ષેત્રના પીએમઆઈમાં જોવા મળેલા આ ઘટાડાનો અસરરૂપે સંયુક્ત પીએમઆઈ પણ થોડો નબળો રહ્યો છે.

