Vadodara,તા.14
વડોદરાના કારેલીબાગની નિવૃત્તિ કોલોનીમાં રૂતાંશ ફ્લેટમાં રહેતા કેમિકલના વેપારી સત્યેન અનિલભાઈ ઢોમાસે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે વર્ષ 2001 માં મારે તથા મારા પત્નીને આયર્લેન્ડ ખાતે વર્ક વિઝા ઉપર જવાનું હતું એટલે અમે તપાસ કરતા હતા. તે દરમિયાન સોશિયલ મીડિયા પર એક એડવાઈઝરી જોઈ હતી. જેમાં માંજલપુર દીપ ચેમ્બર ખાતે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફિસની વિગતો હતી. ત્યાં દરેક પ્રકારના વિઝા કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જેથી હું તથા મારા પત્ની તારીખ 2-9-2021 ના રોજ ઓફિસ પર ગયા હતા. ઓફિસમાં બેઠેલા માનસીબેન પંચાલે અમારી સાથે વાત કરી અમને બંનેને આશિષ ગવલી પાસે મોકલી આપ્યા હતા. આશિષે આયરલેન્ડ ખાતે અમને નોકરી તથા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપશે તેમ જણાવી ફોર્મ ભરાવી 4,00,000 નો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પહેલા એક વ્યક્તિના 1 લાખ થશે તેવું જણાવી વાત કરતા અમે હા પાડી હતી. ત્યારબાદ તેઓએ અમારી મુલાકાત ડાયરેક્ટર કુણાલ નિકમ સાથે કરાવી હતી. કૃણાલ તથા આશિષ વિઝા કરી આપવાની વાત કરતા અમે બે લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા હતા. તેમજ તેમણે પેપર પર એગ્રીમેન્ટ કરાવ્યું હતું જેમાં છ મહિનામાં વિઝા થઈ જશે અને ન થાય તો રૂપિયા પરત મળી જશે એવું લખાણ કર્યું હતું. તેમણે અમને આયર્લેન્ડ દેશનો ઓફર લેટર આપ્યો હતો જેમાં Amazon કંપનીના વેર હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરીનો ઉલ્લેખ હતો. તેમજ હમ્બલ હંતરસ નામની રીપ્લેસમેન્ટ એજન્સી મારફતે અમને નોકરી અપાવવાનું જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ તેઓએ અમને વિઝા આપ્યા નથી અને તમારી પાસેથી લીધેલા બે લાખ પણ પરત આપ્યા નથી.

