દેશમાંથી જેમ્સ – જ્વેલરીની નિકાસ ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર ઘટીને રૂ.૧૯૧૭૩ કરોડ પર આવી ગઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ૩૦.૫૭% ઓછું છે. જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા મુજબ ગત વર્ષે આ જ ગાળામાં નિકાસ રૂ.૨૬૨૩૭ કરોડ રહી હતી. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સેગમેન્ટમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. આ કેટેગરીની નિકાસ ૨૬.૯૭% ઘટીને રૂ.૯૦૭૧ કરોડ રહી, જ્યારે ગત વર્ષે તે રૂ.૧૧૮૦૬ કરોડ હતી. તે જ રીતે, પોલિશ્ડ લેબ-ગ્રોવ્ન ડાયમંડની નિકાસ ૩૪.૯૦% ઘટીને આશરે રૂ.૮૩૪ કરોડ રહી છે.
ગોલ્ડ જ્વેલરીની નિકાસ પણ દબાણ હેઠળ રહી હતી અને ૨૮.૪% ઘટાડા સાથે રૂ.૭૫૨૦ કરોડ પર આવી ગઈ, જ્યારે ગત વર્ષે તે રૂ. ૯૯૭૫ કરોડ હતી. સિલ્વર જ્વેલરી સેગમેન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યાં નિકાસ ૧૬% ઘટીને રૂ.૧૦૭૩ કરોડ થઈ હતી. એપ્રિલથી ઓક્ટોબરના ગાળામાં કલર્ડ જેમસ્ટોનની નિકાસમાં પણ નરમાઈ જોવા મળી છે. આ સેગમેન્ટ ૩.૨૧% ઘટીને રૂ.૨૧૭૩ કરોડ થયો, જે ગત વર્ષે લગભગ રૂ. ૨૧૬૪ કરોડ હતો. ઓક્ટોબરમાં નિકાસ ઘટવાનું મુખ્ય કારણ અમેરિકામાં લાગુ પડેલા આકરા ટેરિફ છે.
તહેવારો માટેના મોટાભાગના ઓર્ડર્સ ૨૭ ઓગસ્ટે ટેરિફ લાગુ થાય તે પહેલાં જ મોકલી દેવામાં આવ્યા હતા, જેના કારણે ઓક્ટોબરમાં માંગ નબળી રહી. ઉપરાંત, બુલિયન માર્કેટમાં થયેલી ભારે અસ્થિરતાએ સોના અને ચાંદીની જ્વેલરીની નિકાસને પણ અસર કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવેમ્બરથી નિકાસમાં સુધારો જોવા મળશે, કારણ કે ચીનનાં બજારો ધીમે-ધીમે સુધરી રહ્યા છે અને ક્રિસમસ સિઝનને કારણે અન્ય મહત્વના બજારોમાં પણ માંગ વધવાની સંભાવના છે. નોંધનીય છે કે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦% ટેરિફ લાગુ કર્યા છે, જેનો જેમ્સ-જ્વેલરી ક્ષેત્ર પર સીધો પ્રભાવ પડે છે. અમેરિકા આ સેક્ટર માટે સૌથી મોટું અને મહત્વનું માર્કેટ માનવામાં આવે છે.

