નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં ભારતીય સિક્યુરિટીઝ માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)નું હોલ્ડિંગ મૂલ્ય વધીને ૧૪ મહિનાની ટોચે પહોંચી ગયું છે. જોકે આ ગાળામાં FPI નેટ વેચવાલ રહ્યા હતા, તેમ છતાં શેરબજારમાં થયેલા વધારા અને મજબૂત બજાર ભાવનાને કારણે તેમના કુલ હોલ્ડિંગના મૂલ્યમાં ઉછાળો નોંધાયો છે. એફપીઆઈની ‘એસેટ અન્ડર કસ્ટડી’ (AUC) નવેમ્બરના પ્રથમ પંદર દિવસમાં વધીને રૂ.૮૧.૫૩ લાખ કરોડ થઈ, જે સપ્ટેમ્બર ૨૦૨૪ બાદનું સર્વોચ્ચ સ્તર છે.
કુલ AUCમાંથી રૂ.૭૪.૨૮ ટ્રિલિયન ઈક્વિટીમાં રોકાયેલા છે, જ્યારે બાકીનો મૂડીપ્રવાહ ડેબ્ટ અને હાઈબ્રિડ સાધનો તરફ વળ્યો છે, જેની પુષ્ટિ એનએસડીએલના તાજેતરના આંકડાઓ કરે છે. આ ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ બંનેમાં આશરે ૧.૫% જેટલો વધારો નોંધાયો હતો, જેના કારણે FPI હોલ્ડિંગના મૂલ્યમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં, રોકાણકારો સાવચેતીના મૂડમાં છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં એફપીઆઈએ રૂ.૩૧૬૬ કરોડની ઈક્વિટીની નેટ વેચવાલ કરી હતી, જ્યારે ડેબ્ટ માર્કેટમાં તેઓએ રૂ.૨૬૯૩ કરોડનું નેટ ઇન્ફ્લો નોંધાવ્યું.
ઓક્ટોબરમાં FPIsએ રૂ.૧૦૨૮૫ કરોડ ઈક્વિટીમાં અને રૂ. ૧૬૧૨૪ કરોડ ડેબ્ટમાં રોકાણ કર્યું હતું. વર્ષ ૨૦૨૪માં FPIs એ આઈટી, કન્ઝ્યુમર સર્વિસિસ, હેલ્થકેર, પાવર, એફએમસીજી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ જેવા સેક્ટરોમાંથી નિકાસ કરી છે, જ્યારે ટેલિકોમ અને તેલ-ગેસ ક્ષેત્રોમાં તેઓનો નેટ ઇન્ફ્લો રહ્યો છે. ભારત – અમેરિકા વેપાર તાણ હળવું થવાની આશાએ રોકાણકારોનું માનસ સુધર્યું છે. તેનો સીધો પ્રભાવ શેરબજારમાં જોવા મળ્યો છે, જ્યાં સેન્સેક્સે તાજેતરમાં ફરીથી રેકોર્ડ લેવલ તરફ આગળ વધ્યું છે.
વિદેશી રોકાણકારોના કુલ હોલ્ડિંગના હિસ્સામાં લાંબા ગાળાનો ઘટાડો પણ નોંધાયો છે. ડિસેમ્બર ૨૦૨૦માં ભારતીય કંપનીઓમાં FPI હોલ્ડિંગ ૨૧.૨૦% હતું, જે હવે ઘટીને ૧૬.૭૦% પર આવી ગયું છે. બીજી તરફ, ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII)નો હિસ્સો સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે વધીને ૧૮.૨૫% પર પહોંચી ગયો છે.

