ટેરિફના પ્રતિકૂળ પ્રભાવ વચ્ચે અમેરિકામાં નવેમ્બર માસની ઉત્પાદન પ્રવૃત્તિ નબળી પડી ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી છે. ઊંચા ટેરિફને કારણે આયાતી માલ મોંઘા થતા માંગ પર અસર જોવા મળી છે, જેનાથી ફેક્ટરીઓના ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર થઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, નવેમ્બરની ઉત્પાદન પ્રવૃત્તિ ઓકટોબર કરતાં થોડું નબળી રહી છે. એસએન્ડપી ગ્લોબલના ડેટા દર્શાવે છે કે અમેરિકાનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક PMI ઓકટોબરના ૫૧.૯૦થી ઘટીને નવેમ્બરમાં ૫૧.૬૦ રહ્યો છે. નોંધનીય છે કે PMI ૫૦થી નીચે જાય તો ક્ષેત્રમાં સંકોચન ગણાય છે.
અમેરિકન અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો હાલમાં લગભગ ૧૦.૨૦% છે. સર્વેમાં ભાગ લેનાર ઉત્પાદકોએ જણાવ્યું હતું કે નવા ઓર્ડર્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ફિનિશ્ડ ગુડસના સ્ટોકમાં વધારો થયો છે. ઉત્પાદન ક્ષેત્રમાં આ નબળાઈ સેવા ક્ષેત્ર પર અસર પહોંચાડી શકે તેવી ચિંતા પણ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. જોકે સેવા ક્ષેત્રનો PMI ઓકટોબરના ૫૪.૮૦થી થોડો સુધરી નવેમ્બરમાં ૫૫.૦૦ રહ્યો છે.
ઉત્પાદન અને સેવા ક્ષેત્રનો સંયુક્ત પ્રારંભિક PMI વધી ૫૪.૮૦ સુધી પહોંચ્યો છે, જે ઓકટોબરના ૫૪.૬૦થી ઊંચો છે. આ દરમિયાન, અમેરિકામાં ગવર્નમેન્ટ શટડાઉન સમાપ્ત થતા તથા વ્યાજદર ઘટાડાની અપેક્ષાએ આગામી એક વર્ષ માટેના વેપાર વિશ્વાસમાં વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં બેરોજગારીનો દર ૪.૪૦% સાથે ચાર વર્ષની ઊંચી સપાટીએ હોવા છતાં, લેબર માર્કેટ હજુ કમજોરી દર્શાવતું નથી.

