વિશ્વના ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત હવે ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવે છે. માત્ર દસ મિનિટમાં ડિલિવરી જેવી નવીન સેવાઓને ગ્રાહકો દ્વારા મળેલા વ્યાપક પ્રતિસાદને કારણે દેશમાં આ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. રેવન્યૂના આધારે ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા સ્થાને આવી ગયું છે, જ્યારે જાપાન, સાઉથ કોરિયા અને યુકે જેવા વિકસિત બજારોને પાછળ છોડી દીધા છે. વર્ષ ૨૦૨૫ થી ૨૦૩૦ દરમિયાન ભારત આ ક્ષેત્રે સૌથી વધુ ઝડપી વૃદ્ધિ નોંધાવશે એવી ધારણા છે. આ સમયગાળામાં ભારતમાં ક્વિક કોમર્સ ૧૫.૫%ના વાર્ષિક દરે વધશે, જ્યારે ચીનમાં વૃદ્ધિ ૭.૯% અને અમેરિકામાં ૬.૭૨% જેટલી મોડી ગતિએ થશે. ફંડિંગના મામલે પણ ભારત ખૂબ સક્રિય રહ્યું છે.
છેલ્લા દાયકામાં દેશમાં આ ક્ષેત્રે ૬.૮ અબજ ડોલરનું ભંડોળ આકર્ષાયું છે, જે અમેરિકાના ૭.૯ અબજ ડોલર કરતાં થોડું ઓછું છે, પરંતુ યુકે ૪.૪ અબજ અને તૂર્કી ૨.૫ અબજ કરતાં વધારે છે. વૈશ્વિક સ્તરે ક્વિક કોમર્સ બજારનું વાર્ષિક મૂલ્ય ૧૯૮ અબજ ડોલર છે, જેમાં ભારતનો ફાળો ૨.૭૧% જેટલો છે. હાલમાં ભારતની રેવન્યૂ ૫.૩૮ અબજ ડોલર છે, જે ૨૦૩૦ સુધીમાં બમણું વધીને અંદાજીત ૧૧.૦૮ અબજ ડોલર થવાની શક્યતા છે. ભારતમાં ક્વિક કોમર્સનો ઉપયોગ કરનારાં ૬૫ મિલિયન જેટલા ગ્રાહકો છે, જે વૈશ્વિક ગ્રાહક આધારમાં ૭% જેટલો ફાળો આપે છે.
વર્ષ ૨૦૨૫માં ચીન ૯૨.૬ અબજ ડોલર અને અમેરિકા ૬૨ અબજ ડોલર રેવન્યૂ સાથે પોતાની ટોચની સ્થિતિ જાળવી રાખશે. બંને દેશોની સંયુક્ત હિસ્સેદારી વૈશ્વિક બજારના ૭૮% જેટલી છે. તેની સરખામણીમાં જાપાન, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા જેવા આધુનિક અર્થતંત્ર ધરાવતા દેશો ક્વિક કોમર્સની રેસમાં પાછળ રહી ગયા છે. ભારતીય બજારમાં બ્લિન્કિટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ, ફ્લિપકાર્ટ માર્કેટ અને બિગ બાસ્કેટ જેવી કંપનીઓ આ ક્ષેત્રને આગળ ધપી રહી છે. દેશના ૭૦ થી ૧૦૦ શહેરોમાં આ સેવાઓ ઉપલબ્ધ છે. દેશભરમાં ક્વિક કોમર્સ સાથે જોડાયેલા લગભગ ૨૦ મિલિયન એક્ટિવ દુકાનદારો છે, જે મળીને ૪૬૦૦ જેટલા ડાર્ક સ્ટોર્સને સતત સપ્લાય પહોંચાડે છે.

