વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશના ધિરાણદારો વધુ સલામત લોન તરફ વળ્યા છે. જોખમ સંચાલન અને એસેટ કવોલિટી પ્રાથમિકતા બનતાં, બેન્કો અને એનબીએફસીસે અનસિક્યોર્ડ લોન કરતા સુરક્ષિત ધિરાણ અને જાણીતા બોરોઅરોને લોન આપવાનું વધુ પસંદ કર્યું છે. આ નીતિના પરિણામે રિટેલ લોન સેગમેન્ટમાં સૌથી વધારે વૃદ્ધિ ગોલ્ડ લોનમાં નોંધાઇ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ લોન વાર્ષિક ધોરણે ૩૫.૮૦% વધી રૂ.૧૪.૫૦ લાખ કરોડ સુધી પહોંચી છે, જ્યારે ત્રિમાસિક ધોરણે ૮.૬૦%નો વધારો નોંધાયો છે. ગોલ્ડ લોનમાં એસેટ કવોલિટી સુધરતી જોવા મળી છે, કારણ કે તે પૂરતી કોલેટરલ સુરક્ષા ધરાવે છે અને લોનના ધોરણો પણ વધુ સખત બનાવવામાં આવ્યા છે.
અનસિક્યોર્ડ લોન પર કડકાઈ વધતા વ્યક્તિઓ અને નાના વેપારીઓ પણ ગોલ્ડ સામે લોન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ જ સમયગાળામાં હોમ લોનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં હોમ લોન વાર્ષિક ધોરણે ૧૧.૧૦% વધીને રૂ.૪૨.૧૦ લાખ કરોડ પર પહોંચી છે, જ્યારે ત્રિમાસિક ધોરણે ૨.૧૦%નો વધારો નોંધાયો છે. બીજી તરફ, ધિરાણદારો નવા બોરોઅરોને લોન પૂરી પાડવામાં વધુ પસંદગીકૃત બન્યા છે, જેના કારણે અનસિક્યોર્ડ લોન અને નવા બોરોઅરોના ધિરાણમાં ઘટાડો જોવા મળે છે. રિપોર્ટ મુજબ ધિરાણદારો જોખમ ઓછું અને સુરક્ષિત વૃદ્ધિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

