વિશ્વભરમાં વધતા સપ્લાયને પગલે આગામી વર્ષોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ છે. વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪%નો ઘટાડો નોંધાયો છે, અને તાજેતરના રિપોર્ટ્સ સૂચવે છે કે આ દબાણ આગળના બે વર્ષમાં વધુ ઊંડું થઈ શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૭ સુધીમાં બ્રેન્ટ ક્રૂડનો સપ્લાય એટલો વધી જશે કે તેની કિંમત પ્રતિ બેરલ ૩૦ ડોલર સુધી તૂટી શકે છે. રિપોર્ટ મુજબ ૨૦૨૬માં જ ક્રૂડ ૬૦ ડોલરથી નીચે ખસી શકે છે અને વર્ષના અંત સુધીમાં ૫૦ ડોલર સુધી ઢળી શકે છે.
વર્ષ ૨૦૨૭માં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે કારણ કે વધી રહેલા સરપ્લસને કારણે બ્રેન્ટનું સરેરાશ ભાવ ૪૨ ડોલર સુધી આવી શકે છે. ગોલ્ડમેન સાક્સે પણ બજારમાં પૂરતા કરતાં વધુ સપ્લાય અંગે ચેતવણી આપી છે. તેમની આગાહીએ અનુસાર યુએસ બેન્ચમાર્ક WTI ક્રૂડનો સરેરાશ ભાવ ૨૦૨૬માં ૫૩ ડોલર થઈ શકે છે, કારણ કે દરરોજ લગભગ ૨૦ લાખ બેરલનો સરપ્લસ સપ્લાય સર્જાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬માં આ સરપ્લસ ૨૮ લાખ બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી શકે છે. જોકે, ૨૦૨૭માં બજારમાં ફરી સંતુલન પાછું આવી શકે છે.
ક્રૂડના ભાવમાં ઘટાડો ભારત માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રતિ બેરલ ૧ ડોલરનો ઘટાડો ભારતમાં ચાલુ ખાતાની ખાધ (CAD)માં વર્ષનું લગભગ ૧.૫ થી ૧.૬ અબજ ડોલરનું સુધારણું લાવે છે. ૧૦ ડોલરનો ઘટાડો CAD ને જીડીપીના ૦.૫% સુધી સુધારી શકે છે. ભાવ ઘટવાથી રિફાઇનરી અને માર્કેટિંગ કંપનીઓ જેમ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઈલ ને ઓછા ઇનપુટ ખર્ચનો સીધો લાભ થશે, જે તેમના રિફાઇનિંગ અને માર્કેટિંગ માજીનને મજબૂત કરી શકે છે. ટાયર કંપનીઓ એપોલો ટાયર, જે કે ટાયર, એમઆરએફ – ક્રૂડ આધારિત સિન્થેટિક રબર અને કાર્બન બ્લેક પર આધાર રાખે છે, જે તેમના ખર્ચના લગભગ ૫૦% છે, તેથી તેમને પણ ભાવ ઘટાડાનો મોટો ફાયદો થશે.
પેઇન્ટ કંપનીઓ એશિયન પેઈન્ટ, બર્જર પેઈન્ટ, કન્સાઈ નેરોલેક, પીડીલાઈટના કુલ ખર્ચમાં ક્રૂડનો ૩૦-૪૦% હિસ્સો હોય છે, એટલે સસ્તા તેલથી તેમના માર્જિનમાં નોંધપાત્ર સુધારો આવી શકે છે. સૌથી વધુ લાભ એવિયેશન સેક્ટરને મળી શકે છે કારણ કે એરલાઇનનું સૌથી મોટું ઓપરેટિંગ ખર્ચ એવિએશન ટર્બાઈન ફયુલ છે. ઈન્ડીગો અને સ્પાઇસ જેટ જેવી લિસ્ટેડ એરલાઇન્સ માટે આ પરિસ્થિતિ અત્યંત ફાયદાકારક બની શકે છે.

