ડિસેમ્બર મહિનામાં રશિયન ક્રુડ તેલની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે પશ્ચિમી દેશોની વધતી સખતાઈને કારણે ભારત માટે રશિયન ક્રુડ ખરીદવું મુશ્કેલ બન્યું છે. ૨૧ નવેમ્બરથી રશિયાની બે મુખ્ય ઓઈલ સપ્લાયર્સ પર લાગુ કરાયેલા પ્રતિબંધો બાદ ડિસેમ્બર સહિત આગામી મહિનાઓમાં ભારતની રશિયન ક્રુડ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી ધારણા છે. નવેમ્બરમાં અનેક મહિનાઓની ઉચ્ચ સપાટીએ પહોંચેલી આયાત ડિસેમ્બરમાં ધડાકાભેર ઘટી ૧૮.૭૦ લાખ બેરલ પ્રતિદિનથી ઘટીને માત્ર ૬ થી ૬.૫૦ લાખ બેરલ પ્રતિદિન રહેવાની શક્યતા છે.
પ્રતિબંધો બાદ ભારતીય રિફાઈનરો રોઝનેફટ અને લુકઓઈલ જેવી મોટી રશિયન કંપનીઓ સાથે કોઈ નવા કરાર કર્યા નથી અને ડિસેમ્બર ડિલિવરી માટે પાંચ જેટલી મોટી રિફાઈનરીઓએ કોઈ કોન્ટ્રાક્ટ ન કર્યાની માહિતી મળી છે. પશ્ચિમ દેશો બેન્કિંગ ટ્રાન્ઝેક્શનો પર કડક નજર રાખી રહ્યા હોવાથી ભારતીય ખરીદદારો સાવચેત બની અન્ય દેશો પાસેથી પુરવઠો મેળવવા તરફ વળ્યા છે.
ઓક્ટોબરમાં રશિયા પાસેથી ભારતની ક્રુડ આયાત ૧૬.૫ લાખ બેરલ પ્રતિદિન રહી હતી, જ્યારે અમેરિકન ક્રુડનો હિસ્સો ૨૦૨૪ના જૂન બાદની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ભારતમાં અમેરિકન ટેરિફ ૫૦ ટકા લાગતા ત્યાંથી ક્રુડ ખરીદીનું દબાણ વધ્યું છે. યુક્રેન યુદ્ધ બાદ રશિયન ક્રુડ સસ્તું મળતું થતાં ભારત તેની સૌથી મોટી બજાર બની ગયું હતું, પરંતુ તાજેતરના પ્રતિબંધો બાદ આ વલણ તેજીથી બદલાઈ રહ્યું છે.

