વર્તમાન વર્ષ સમાપ્ત થવાને હજુ એક મહિનાની વાર છે ત્યારે વીજ સંચાલિત વાહનોનો રજિસ્ટ્રેશન આંક વર્તમાન એટલે કે ૨૦૨૫ના વર્ષમાં પહેલી જ વખત વીસ લાખને પાર કરી ગયો છે. દરેક પ્રકારના વીજ વાહનો માટે દેશમાં આકર્ષણ વધી રહ્યાનું વીજ સંચાલિત વાહનોના વેચાણ આંક પરથી કહી શકાય છે. વીજ સંચાલિત વાહનો માટે સરકાર તરફથી નીતિવિષયક ટેકા અને સારા પ્રોડકટસની ઉપલબ્ધતાથી વીજ વાહનોના સ્વીકારમાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન વર્ષના ૨૫ નવેમ્બર સુધીમાં દરેક પ્રકારના ઈ-વ્હીકલ્સનો વેચાણ આંક ૨૦.૦૨ લાખ રહ્યો છે જે ૨૦૨૪ના આ ગાળા સુધીમાં ૧૯.૫૦ લાખ રહ્યો હતો.
વીજ વાહનો માટેની નીતિમાં વારંવાર ફેરબદલ છતાં, માગમાં મજબૂતાઈ રહી છે. બેટરી ખર્ચમાં ઘટાડા, ચાર્જિગ નેટવર્કમાં વધારા અને આકર્ષક પ્રોડકટસને કારણે માગમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિક ડીલરે જણાવ્યું હતું. વીજ વાહનોમાં સૌથી વધુ વેચાણ ટુ વ્હીલર્સનું જોવા મળ્યું છે. વાહનના ડેટા પ્રમાણે વીજ વાહનોના રજિસ્ટ્રેશનમાં ઈ-ટુ વ્હીલર સેગમેન્ટનો આંક સૌથી ઊંચો છે. વર્તમાન વર્ષમાં વીજ વાહનના કુલ વેચાણમાં ૫૭ ટકા હિસ્સો ઈ-ટુ વ્હીલર્સનો રહ્યો છે.
ગયા વર્ષ વીજ વાહનોના વેચાણમાં ૨૭% વૃદ્ધિ જોવા મળી હતી જે વર્તમાન વર્ષમાં ૧૫ થી ૧૬% જોવા મળવા અપેક્ષા છે. ટુ વ્હીલર્સ ઉપરાંત વીજ સંચાલિત થ્રી તથા ફોર વ્હીલર્સમાં પણ આકર્ષણ રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ૨૦૨૪માં ૧૧.૫૦ લાખની સરખામણીએ વર્તમાન વર્ષમાં ટુ વ્હીલર્સનું વેચાણ અત્યારસુધી સાધારણ ઊંચુ રહી ૧૨ લાખ સુધી પહોંચી ગયું છે. જ્યારે થ્રી વ્હીલર્સનો વેચાણ આંક ૬.૯૦ લાખ રહ્યો છે જે ૨૦૨૪માં ૬.૯૧ લાખ રહ્યો હતો.

