વિશ્વ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ આશા વ્યક્ત કરી છે કે 2026માં પણ સોનાના ભાવમાં તેજી જળવાઈ રહી શકે છે અને વર્ષ દરમિયાન 15થી 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. વર્તમાન વર્ષે સોનાના ભાવમાં 53 ટકા સુધીની જોરદાર વૃદ્ધિ નોંધાઈ છે. અમેરિકાના ટેરિફ અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરફ આકર્ષાઈ રહ્યા છે. વૈશ્વિક કેન્દ્રીય બેન્કોની સતત ખરીદી તથા વ્યાજ દરોમાં ઘટાડો પણ સોનાના ભાવને ટેકો આપે છે.
ગોલ્ડ ETFs મારફતે રોકાણની વધેલી માગ મુખ્ય પરિબળ બની રહી છે, જેના કારણે ટેકનોલોજી અને જ્વેલરી ક્ષેત્રની નબળાઈ પૂરી થઈ રહી છે. માત્ર આ વર્ષે જ ગોલ્ડ ETFsમાં 77 અબજ ડોલરનો ઈન્ફ્લો આવી ચૂક્યો છે અને હોલ્ડિંગમાં 700 ટનનો વધારો થયો છે. જો કે WGCએ ચેતવણી આપી છે કે જો અમેરિકન અર્થતંત્ર મજબૂત બનશે, ટ્રમ્પની નીતિઓ અસરકારક સાબિત થશે અને ફુગાવો વધતા વ્યાજ દરોમાં વધારો થશે, તો 2026માં સોનામાં 5થી 20 ટકાનો ઘટાડો પણ શક્ય છે. આવી સ્થિતિમાં ડોલર મજબૂત બનશે અને હેજિંગ તરીકેની ગોલ્ડ ખરીદી ધીમી પડી શકે છે, જેનાથી ગોલ્ડ ETFsમાં આઉટફ્લો જોવા મળી શકે છે.

