બિટકોઈને ફરી એકવાર તેજીનો ઝળહળતો દોર શરૂ કર્યો છે. અમેરિકન શટડાઉન વચ્ચે પણ સ્પોટ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ઈન્ફલો જળવાઈ રહેતા બિટકોઈનનો ભાવ ઉછળી ૧,૨૫,૨૪૫ ડોલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ઊંચા મથાળે નફાબુકિંગ થતા બિટકોઈનમાં થોડી પીછેહઠ જોવા મળી હતી અને તે ૧,૨૩,૭૪૫ ડોલર કવોટ થતો હતો. આ પહેલાં ઓગસ્ટના મધ્યમાં બિટકોઈને ૧,૨૪,૪૮૦ ડોલરની ટોચ દર્શાવી હતી. તાજેતરના ઉછાળાને કારણે ક્રિપ્ટોકરન્સી માર્કેટની એકંદર માર્કેટ કેપ ૪.૨૨ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે.
વિશ્લેષકો જણાવે છે કે સંસ્થાકીય રોકાણકારોના વધતા આકર્ષણ, સ્પોટ ઈટીએફ ઈન્ફલોસ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સેફ હેવન માગ બિટકોઈનની તેજી પાછળના મુખ્ય પરિબળો છે. ડોલર સામે હેજ તરીકે બિટકોઈનમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. અમેરિકન શટડાઉનને કારણે કેટલીક મુખ્ય કરન્સીઓ સામે ડોલર નબળો પડ્યો છે, જેનાથી ક્રિપ્ટોમાં ઈન્ફલો વધ્યો છે. ગયા સપ્તાહે બિટકોઈન ઈટીએફસમાં ૩.૨૦ અબજ ડોલરનો ઈન્ફલોસ નોંધાયો હતો. વિશ્લેષકોના મતે બિટકોઈનમાં વોલેટિલિટી સાથે તેજી યથાવત્ રહેવાની શક્યતા છે.
બિટકોઈન સાથે અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સી – ઈથરિયમ, XRP અને બાઈનાન્સમાં પણ સુધારો નોંધાયો છે. જો કે ઊંચા સ્તરે નફાબુકિંગના અંશિક દબાણથી વોલેટિલિટી જોવા મળી હતી. ઈથરિયમનો ભાવ ૪,૫૦૦ ડોલર આસપાસ રહ્યો હતો. વર્તમાન કેલેન્ડર વર્ષના આરંભથી જ બિટકોઈન લગભગ ૩૦%થી વધુ વળતર આપી ચૂક્યો છે. એનાલિસ્ટોના મતે, વધતા સંસ્થાકીય રોકાણ, નિયમનકારી સ્પષ્ટતા અને બૃહદ્ આર્થિક સાનુકૂળતાઓને કારણે ક્રિપ્ટો માર્કેટમાં વિશ્વાસ વધતો જઈ રહ્યો છે, જે લાંબા ગાળે તેજીનું સપોર્ટિંગ ફેક્ટર બની શકે છે.