ક્રિપ્ટોકરન્સી બજારમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે અફરાતફરી જોવા મળી હતી. સતત વેચવાલીના દબાણ વચ્ચે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન તૂટી ૮૮૫૨૦ ડોલર સુધી નીચે સરક્યો હતો, જે છેલ્લા સાત મહિનાનું તળિયું છે. જો કે નીચા સ્તરેથી થોડી રિકવરી નોંધાઈ હતી અને મોડી સાંજ સુધી બિટકોઈનનો ભાવ ફરી વધીને ૯૧૯૦૦ ડોલર આસપાસ કવોટ થવા લાગ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે એવી અપેક્ષાઓ હવે ધૂંધળી બની રહી છે. એક મહિના પહેલા જ્યાં વ્યાજ ઘટાડાની સંભાવના ૯૮% હતી, તે હવે ઘટીને માત્ર ૩૦% રહી છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો જોખમી એસેટસ, ખાસ કરીને ક્રિપ્ટોમાંથી પૈસા કાઢીને ડોલર તરફ સામું વળવા લાગ્યા છે. પરિણામે, ડોલર ઈન્ડેક્સ ફરી ૧૦૦નો સ્તર પાર કરી ગયો છે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટીની ઓક્ટોબર બેઠકની મિનિટ્સ પ્રમાણે ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટાડીશું કે જાળવી રાખીશું તે અંગે સભ્યોમાં મતભેદ છે. આ સિવાય, ઓક્ટોબરના જોબ ડેટા અમેરિકન લેબર વિભાગ જાહેર નહીં કરે એવી જાહેરાતને કારણે ફેડ પાસે તાજેતરના આર્થિક સંકેતો ઉપલબ્ધ રહી નથી. ડેટાની ગેરહાજરીમાં ફેડ સાવચેતીપૂર્વક આગળ વધશે તેવી ધારણા બજારમાં મજબૂત છે. આ અનિશ્ચિત પરિસ્થિતિમાં સંસ્થાકીય ખેલાડીઓ જોખમી એસેટસમાં પ્રોફિટ-બુકિંગ કરી રહ્યાં છે, જેના કારણે બિટકોઈન સાથે અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સી – જેમ કે ઈથરિયમ, XRP અને સોલાના માં પણ તીવ્ર તેજી – મંદી જોવા મળી હતી.

