વોલેટિલિટીમાં વધારો અને નિયમનકારી સખતાઈમાં તાત્કાલિક વધારો થવાની શક્યતા ઓછી હોવાના કારણે, ગયા મહિને દેશના શેરબજારમાં ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૫૦૬ ટ્રિલિયન સુધી પહોંચી ૧૨ મહિનાની ઊંચી સપાટીએ નોંધાઈ હતી. બીજી તરફ, કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૧.૦૬ ટ્રિલિયન રહ્યો હતો.
વર્ષના પ્રારંભે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા નોન-બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ પર સાપ્તાહિક કોન્ટ્રેક્ટ્સ બંધ કરવાનું અને વિકલી એક્સપાયરીઝ પર બે દિવસની મર્યાદા લાગુ કરવાનું નિર્ણય લેવાતા, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં ડેરિવેટિવ્ઝમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૫૩૭ ટ્રિલિયન સાથે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર નોંધાયો હતો.
વિકલી એક્સપાયરીઝ સંપૂર્ણપણે રદ થવાની સંભાવના અંગેની ચિંતા વચ્ચે ડેરિવેટિવ્ઝ વોલ્યુમ ઘટ્યો હતો, પરંતુ સેબીએ તાજેતરમાં સ્પષ્ટતા કરી કે આવી કોઈ કાર્યવાહી થવાની નથી, ત્યારબાદ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ફરી તેજી જોવા મળી હતી. કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૧.૦૬ ટ્રિલિયન રહ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનાના સ્તર જેટલો જ છે. જોકે, જૂન ૨૦૨૪માં નોંધાયેલા રૂ.૧.૬૫ ટ્રિલિયનની સરખામણીએ કેશ ટર્નઓવર હજુ પણ આશરે ૩૫% ઓછો રહ્યો છે.

