વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની સરખામણીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો ભારતીય શેરબજારમાં હિસ્સો સતત વધી રહ્યો છે. તાજા આંકડા મુજબ, સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં ડીઆઈઆઈનો હિસ્સો ૪૪ બેઝિસ પોઈન્ટ વધીને ૧૮.૨૫ ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે એફપીઆઈનો હિસ્સો ૩૪ બેઝિસ પોઈન્ટ ઘટીને ૧૬.૭૦ ટકા રહ્યો હતો. બજાર નિષ્ણાતોના મતે, ડીઆઈઆઈના વધેલા હિસ્સાનું મુખ્ય કારણ રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુઅલ ફન્ડોમાં સતત થતો ઈન્ફલો છે.
રિટેલ રોકાણકારો દ્વારા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફતે વધતું રોકાણ ઘરેલુ સંસ્થાઓને વધુ સશક્ત બનાવી રહ્યું છે. બીજી બાજુ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકનને કારણે વિદેશી રોકાણકારો પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફન્ડોનો લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધીને ૧૦.૯૦ ટકા થયો છે, જ્યારે જૂનમાં તે ૧૦.૫૬ ટકા હતો. આ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ.૧.૦૨ લાખ કરોડના શેરો વેચ્યા, જ્યારે ઘરેલુ રોકાણકારોએ રૂ.૨.૨૦ લાખ કરોડની ખરીદી કરી હતી.
વર્તમાન ૨૦૨૫ વર્ષ દરમિયાન પણ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નેટ વેચવાલ કર્તા રહ્યા છે. ઘણા એફપીઆઈ રોકાણકારો નાણાં પાછા ખેંચીને અમેરિકા, ચીન અને કોરિયા જેવા ઊભરતા બજારોમાં મૂકી રહ્યા છે, જ્યાં તેમને વધુ આકર્ષક મૂલ્યાંકન મળી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦થી વિદેશી રોકાણકારોના હોલ્ડિંગમાં સતત ઘટાડો નોંધાયો છે – તે સમયે એફપીઆઈનો હિસ્સો ૨૧.૨૦ ટકા હતો, જે હાલ ૧૬.૭૦ ટકા પર આવી ગયો છે. વિદેશી વેચવાલી વચ્ચે પણ ભારતીય બજારો મજબૂત ટકી રહ્યા છે, જેમાં રિટેલ રોકાણકારો અને ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ રહી છે.

