ભારતીય કંપનીઓમાં પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO) લાવવા માટે રીતસરની દોડ જોવા મળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮૫થી વધુ કંપનીઓએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યા છે. લગભગ દરેક કાર્યકારી દિવસે કોઈ ને કોઈ નવી કંપની IPO માટે અરજી કરી રહી છે, જે બતાવે છે કે આગામી મહિનાઓમાં પ્રાયમરી માર્કેટ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડા મુજબ, એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં DRHP ફાઈલ થવાનું છેલ્લે ૧૯૯૭માં થયું હતું – જે ભારતીય IPO બજાર માટે સોનાનો સમય ગણાતો હતો.
આ વર્ષે ફાઈલ કરાયેલી અરજીઓની સંખ્યા ૨૦૨૩ અને ૨૦૨૪ના પ્રથમ નવ મહિનાની કુલ અરજીઓ કરતાં વધુ છે, જે લિસ્ટિંગ માટેની ભારે સ્પર્ધાનું પ્રતિબિંબ છે. આઈપીઓ ફાઈલિંગથી લિસ્ટિંગ સુધી સામાન્ય રીતે પાંચથી બાર મહિના લાગે છે. હાલની અરજીઓને ધ્યાનમાં લેતાં, ૨૦૨૬ ભારતીય IPO માર્કેટ માટે એક ઉત્તમ વર્ષ બની શકે છે. બજારની અસ્થિરતા હોવા છતાં, કંપનીઓએ આ વર્ષમાં IPO મારફતે રૂ.૧.૧ લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે, જે ૨૦૨૪માં નોંધાયેલા રૂ.૧.૬ લાખ કરોડના રેકોર્ડને વટાવી શકે છે. દાખલ કરાયેલા ૧૮૫ DRHP માંથી કુલ રૂ.૨.૭૨ લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય છે. ટાટા કેપિટલ, એલજી ઈલેક્ટ્રિક, લેન્સકાર્ટ, ફોનપે, ફિઝિક્સવાલા અને પાઈન લેબ જેવી મોટી કંપનીઓ પણ આગામી દિવસોમાં IPO લાવવા તૈયારીમાં છે.
બજાર નિષ્ણાતોના મતે, IPO માટેના આ ઉત્સાહ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. એક તરફ સ્થાનિક રોકાણકારો દર વર્ષે રૂ. ૩ લાખ કરોડથી વધુનું રોકાણ બજારમાં કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ટેકનોલોજી, રિયલ એસ્ટેટ, આરોગ્ય અને નવી ઉર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં લિસ્ટિંગના નવા અવસર ઉભા થયા છે. છેલ્લા થોડા વર્ષોમાં IPOના સફળ પ્રદર્શન, નાના શહેરોમાં વધતી રોકાણ જાગૃતિ અને અનુકૂળ મૂલ્યાંકનના કારણે DRHP ફાઈલિંગમાં ભારે વધારો જોવા મળ્યો છે. અગાઉ નાના શહેરોની પ્રમોટર-સંચાલિત કંપનીઓ લિસ્ટિંગ માટે સંકોચતી હતી, પરંતુ હવે તેઓ પણ બજારની તેજીનો લાભ લેવા ઉત્સુક બની છે.