વર્લ્ડ બેંકના તાજેતરના કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬ સુધી વૈશ્વિક કોમોડિટીના ભાવ છ વર્ષના તળિયે પહોંચી શકે છે. આ સતત ચોથા વર્ષે ઘટાડો દર્શાવશે. વૈશ્વિક ટ્રેડમાં અનિશ્ચિતતા, ક્રુડ ઓઈલના વધતા પુરવઠા અને નીતિગત અસ્થિરતા વચ્ચે નબળો આર્થિક વિકાસ કોમોડિટી બજારોમાં દબાણ લાવી રહ્યો છે. વર્લ્ડ બેંકના અંદાજ મુજબ, ૨૦૨૫ અને ૨૦૨૬ દરમિયાન કોમોડિટી ભાવોમાં સરેરાશ ૭% સુધીનો ઘટાડો થઈ શકે છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈન્દરમીત ગિલે જણાવ્યું કે, કોમોડિટી બજારોએ વૈશ્વિક અર્થતંત્રને ટૂંકા ગાળામાં સ્થિર બનાવવામાં મદદ કરી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેમણે સરકારોને સલાહ આપી કે આ અનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ કરીને નાણાકીય સંતુલન મજબૂત કરવું જોઈએ. ક્રુડ ઓઈલના પુરવઠામાં વધારાનો પ્રભાવ સૌથી વધુ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
ચીનમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)ની વધતી માંગ અને સ્થિર વપરાશને કારણે ઓઈલની કુલ માંગ ધીમી પડી છે. મુખ્ય ઉત્પાદકો તરફથી વધતા ઉત્પાદનને કારણે વર્ષ ૨૦૨૬માં બ્રેન્ટ ક્રુડના ભાવ સરેરાશ ૬૦ ડોલર પ્રતિ બેરલ સુધી નીચે જઈ શકે છે, જે છેલ્લા પાંચ વર્ષના નીચલા સ્તર સમાન ગણાશે. ખાદ્ય પદાર્થોના બજારમાં પણ ઘટાડાની દિશા જોવા મળી રહી છે. ચોખા અને ઘઉંના ભાવ ઘટતા ૨૦૨૫માં ખાદ્ય પદાર્થોના ભાવમાં આશરે ૬.૧%નો ઘટાડો થવાનો અને ૨૦૨૬માં પણ થોડો વધુ ઘટાડો થવાનો અંદાજ છે. જો કે ખાતરના ભાવોમાં તાત્કાલિક ઘટાડા પછી આવતા વર્ષે ૨૧%નો ઉછાળો નોંધાઈ શકે છે. જીઓપોલિટીકલ તણાવ અને નીતિગત અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનાની તરફ વળી રહ્યા છે. વર્ષ ૨૦૨૫માં સોનાના ભાવમાં ૪૨%નો ઉછાળો અને ૨૦૨૬માં પણ તેજી યથાવત્ રહેવાની ધારણા છે.
આ ભાવો ૨૦૧૫થી ૨૦૧૯ના સરેરાશની તુલનામાં બમણા ગણાશે. ચાંદીના ભાવો પણ આગાહીના સમયગાળામાં રેકોર્ડ ઊંચાઈને અડી શકે છે. વર્લ્ડ બેંકે ચેતવણી આપી છે કે, લાંબા ગાળાના વેપાર ઘર્ષણ, ઈલેક્ટ્રિક વાહનોના ઝડપી અપનાવા અને ઓપેક – પ્લસ દેશોના વધતા ઉત્પાદનને કારણે કોમોડિટીના ભાવ વધુ ઘટી શકે છે. જ્યારે લા નીના, પ્રતિબંધો અથવા હવામાન સંબંધિત આફતો પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરી શકે છે, જેનાથી ફરી ભાવોમાં તેજી આવી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે LPG અને પેટ્રોલની મજબૂત માંગથી ભારતની ઓઈલ વપરાશ વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. ચીન અને ભારત બન્ને વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં વૈશ્વિક ઓઈલ વપરાશ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો આપતા દેશો તરીકે ઉભરી શકે છે.




