વિશ્વ વેપાર સંગઠન (WTO) એ ૨૦૨૫ માટે વૈશ્વિક વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને ૨.૪% કર્યો છે, જે અગાઉના ૦.૯%ના અનુમાન કરતા નોંધપાત્ર સુધારો છે. સંગઠનના જણાવ્યા મુજબ, વર્ષના પ્રથમ છ મહિનામાં અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શનના આધારે આ સુધારેલો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. નિકાસ અને આયાતની સરેરાશથી માપવામાં આવેલી વૈશ્વિક માલ વેપાર વૃદ્ધિ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪.૯% રહી હતી, જ્યારે ડોલર મૂલ્યના આધારે વૈશ્વિક વેપારનું કુલ મૂલ્ય ૬% વધ્યું હતું. ૨૦૨૪માં ૨%ની વૃદ્ધિ બાદ આ વધારો નોંધાયો છે.
WTOએ એપ્રિલમાં વિશ્વ વેપાર વોલ્યુમમાં ૦.૨%ના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જ્યારે અમેરિકા દ્વારા ટેરિફ યુદ્ધના સંકેતો સામે આવ્યા હતા. હવે સુધારેલા અનુમાન મુજબ ૨૦૨૫માં વૃદ્ધિ જોવા મળશે, પરંતુ ૨૦૨૬ માટેના અંદાજને ૨.૫%થી ઘટાડી ૦.૫% કરવામાં આવ્યો છે – જે દર્શાવે છે કે ટેરિફનો પ્રભાવ આગામી વર્ષે વધુ સ્પષ્ટ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ એ છે કે આયાતકારોએ ભવિષ્યના ટેરિફ વધારા અથવા નીતિ પરિવર્તનને ધ્યાનમાં રાખીને વધુ ઓર્ડર આપ્યા છે. સાથે જ, સેમિકન્ડક્ટર, કમ્પ્યુટર, સર્વર અને મેન્યુફેક્ચરિંગ સાધનો જેવા એઆઈ – સંબંધિત ઉત્પાદનોની વધતી માંગ પણ મુખ્ય પરિબળ છે.
યુએસમાં ઇન્વેન્ટરી ડોલર મૂલ્યના દ્રષ્ટિકોણથી રેકોર્ડ સ્તરે પહોંચી છે. વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ઉત્તર અમેરિકાની આયાત ૧૩.૨% વધીને નવી ઉંચાઈએ પહોંચી – જેમાં ફાર્માસ્યુટિકલ્સ અને કિંમતી ધાતુઓ, ખાસ કરીને સોનાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ખાસ વાત એ છે કે ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં ૪૨% હિસ્સો એઆઈ – સંબંધિત માલના વેપારથી આવ્યો છે, જ્યારે તેમનો કુલ વૈશ્વિક વેપારમાં હિસ્સો માત્ર ૧૫% છે – જે દર્શાવે છે કે એઆઈ – સંબંધિત ટેક્નોલોજી વૈશ્વિક વેપારની નવી દિશા નક્કી કરી રહી છે.