સરકારે અંદાજે છ જેટલા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવાની યોજના બનાવી છે. આ વેચાણ અને એસેટ મોનિટાઈઝેશન દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં આશરે રૂ.૪૭૦ અબજ રૂપિયા ઊભા કરવાના લક્ષ્ય છે. જોકે કયા ઉપક્રમોમાંથી આ વેચાણ થશે તે અંગે હજી સ્પષ્ટતા કરાઈ નથી. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સેક્રેટરી અરુનિશ ચાવલાએ જણાવ્યું કે આ નાણાં વર્ષ દરમિયાન કુદરતી સ્રોત ક્ષેત્રમાંની એક સરકારી કંપની જાહેર ભરણું લાવશે. આ ભરણું કંપની કે તેની સબ્સિડિયરીમાંથી લાવવામાં આવશે. અગાઉના અહેવાલો મુજબ ઓએનજીસી તેની ઓએનજીસી ગ્રીન એનર્જી અને એનએચપીસી તેની એનએચપીસી રિન્યુએબલ એનર્જીનું લિસ્ટિંગ કરાવવા ઈચ્છે છે.
માઈનોરિટી હિસ્સાના વેચાણ અને જાહેર ભરણાંથી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ આવકમાં વધારો થવાની અપેક્ષા છે. સાથે જ, જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી મળનારા ડિવિડન્ડમાં પણ અંદાજ કરતા વધુ આવક થવાની શક્યતા છે. હાલમાં દેશની એકંદર માર્કેટ કેપમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોનો હિસ્સો લગભગ ૧૪% છે. તેમ છતાં, આ કંપનીઓ નાના રોકાણકારોને લગભગ ૨૫% જેટલો ડિવિડન્ડ ચૂકવે છે. સરકારનો વિશ્વાસ છે કે વર્તમાન નાણાં વર્ષમાં એસેટ મોનિટાઈઝેશનના લક્ષ્યો પૂર્ણ થઈ શકશે. બજારમાં સ્થિરતા આવતા, વધુ ઓફર ફોર સેલ, માઈનોરિટી હિસ્સાના વેચાણ અને જાહેર ભરણાં ઝડપથી આગળ ધપાવવામાં આવશે.