ઓક્ટોબર મહિનામાં દેશના આઠ કોર સેક્ટરનો વિકાસ દર શૂન્ય રહ્યો હતો, જે છેલ્લા ૧૪ મહિનાનો સૌથી નીચો સ્તર છે. સપ્ટેમ્બરમાં ૩.૩% વૃદ્ધિ બાદ આ ફ્લેટ ગ્રોથથી અર્થવ્યવસ્થાના મુખ્ય સેક્ટરોના મોમેન્ટમ પર બ્રેક લાગી છે, એવું વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ તાજેતરના આંકડા દર્શાવે છે. ઉત્પાદન સેક્ટરમાં કોલસા અને વીજ ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય છે. કોલસાના ઉત્પાદનમાં ૮.૫%નો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો, જ્યારે વીજ ઉત્પાદન ૭.૬% ઘટ્યું હતું.
નેચરલ ગેસનું ઉત્પાદન પણ ૫% ઘટ્યું અને ક્રૂડ ઓઈલ ઉત્પાદન ૧.૨% ઓછું રહ્યું. બીજી તરફ, કેટલાક સેક્ટરે ઓક્ટોબરમાં સુધારાની નિશાની આપી છે. રિફાઈનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન સતત બે મહિના ઘટ્યા બાદ ૪.૬% વધ્યું હતું. ફર્ટિલાઈઝર સેક્ટરે પણ ૭.૪%ની વૃદ્ધિ નોંધાવી હતી. સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરોમાં મજબૂત માંગને કારણે ઉત્પાદન વધ્યું છે. કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તેજી અને ઓટો સેક્ટરની માંગને કારણે સ્ટીલનું ઉત્પાદન ૬.૭% વધ્યું હતું. ચોમાસું પૂરું થયા બાદ સિમેન્ટ સેક્ટરમાં મોમેન્ટમ વધ્યું અને ઉત્પાદન ૫.૩% વધ્યું.

