અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ1બી વિઝાની ફી વધારીને પ્રતિ કર્મચારી ૧,૦૦,૦૦૦ (આશરે રૂ.૮૩ લાખ) કરી છે. આ નિર્ણયથી ભારત કરતાં અમેરિકાને જ વધુ નુકસાન થશે એવી ચેતવણી આર્થિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ આપી છે. ભારતીય આઈટી કંપનીઓ પહેલાથી જ અમેરિકા ખાતે પોતાના ૫૦-૮૦% કર્મચારીઓ સ્થાનિક યુએસ નાગરિકોને જ નોકરી આપે છે, જે સંખ્યા આશરે ૧,૦૦,૦૦૦ સુધી પહોંચી જાય છે. તેથી, ફી વધારાથી સ્થાનિક રોજગારીમાં વધારો થવાની શક્યતા નથી. થિંક ટેન્ક મુજબ, અમેરિકામાં ૫ વર્ષનો અનુભવ ધરાવતા આઈટી મેનેજર ૧,૨૦,૦૦૦ ડોલર થી ૧,૫૦,૦૦૦ ડોલર કમાય છે, જ્યારે એચ1બી પર આવેલા લોકો ૪૦% ઓછી કમાણી કરે છે.
ભારતમાં જ કામ કરનાર કર્મચારીઓ તો ૮૦% સુધી ઓછા ખર્ચે સેવાઓ પૂરી પાડે છે. હવે ભારે ફી ચૂકવવા કરતાં અમેરિકન કંપનીઓ વધારે પ્રમાણમાં પ્રોજેક્ટ્સ ઓફશોરિંગ તરફ ધકેલી દેશે, એટલે કે ભારતમાંથી જ રીમોટ વર્ક વધશે. આથી અમેરિકા માટે નવી ભરતી ઘટશે, પ્રોજેક્ટ ખર્ચ વધશે અને નવીનતામાં મંદી આવી શકે છે. બીજી તરફ, ભારત આ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે. પરત આવતી પ્રતિભાનો ઉપયોગ કરીને સોફ્ટવેર, ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં સ્થાનિક ક્ષમતાઓ ઊભી કરી શકાય છે. આ પગલું ભારતમાં ડિજિટલ ‘સ્વરાજ મિશન’ને લાંબા ગાળે મજબૂતી આપી શકે છે.