ભારતીય કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્યમાં તાજેતરમાં એક રસપ્રદ વલણ જોવા મળ્યું છે. એક તરફ કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી તરફ દેવાબોજમાં વધારો થયો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિ કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં વધારો થવાના મજબૂત સંકેત આપે છે. એક ખાનગી રિસર્ચ પેઢી દ્વારા કરાયેલા સર્વે મુજબ બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સની ૩૪૦ કંપનીઓનું કેશ રિઝર્વ ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે રૂ.૪૪૦૦૦ કરોડ ઘટીને રૂ.૭.૩૬ ટ્રિલિયન પર પહોંચ્યું છે. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી આ જ કંપનીઓ પાસે રૂ.૭.૮૦ ટ્રિલિયનનું કેશ રિઝર્વ હતું. સર્વે સંકેત આપે છે કે હાલ દેશમાં વ્યાજદર પ્રમાણમાં નીચા છે અને ફુગાવો નિયંત્રણમાં છે, જેના કારણે ખાનગી કંપનીઓ મૂડીખર્ચ વધારી રહી છે.
વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિનામાં કંપનીઓએ કુલ મળીને રૂ.૩૪ ટ્રિલિયનનું મૂડીખર્ચ કર્યું છે, જે વાર્ષિક ધોરણે ૨૨.૪૦% વૃદ્ધિ દર્શાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત કેશ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન કંપનીઓનો કુલ દેવો રૂ.૨.૦૪ ટ્રિલિયન વધી રૂ.૨૯.૧૫ ટ્રિલિયન થયો છે, જે છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી છે. રિપોર્ટ અનુસાર, ઘટતા કેશ અને વધતા દેવા બંને મળીને મૂડીખર્ચના વિસ્તરણ તરફ સ્પષ્ટ સંકેત આપે છે. માંગમાં સતત વૃદ્ધિ, પૂરવઠા સાંકળમાં સામાન્યકરણ અને નાણાંની સરળ ઉપલબ્ધતા જેવા પરિબળો મૂડીખર્ચને ગતિ આપી રહ્યા છે. રિપોર્ટ મુજબ, વર્તમાન નાણાં વર્ષના બાકી ગાળામાં અને નાણાં વર્ષ ૨૦૨૭માં પણ મૂડીખર્ચમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે.
ભારતનો આર્થિક વિકાસ દર હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે, જે મૂડીખર્ચને વધારવા માટે અનુકૂળ માહોલ તૈયાર કરે છે. આ ઉપરાંત, ગાર્ટનરની તાજેતરની વિશ્લેષણ મુજબ, ભારતમાં ૨૦૨૬માં આઈટી ખર્ચ ૧૦.૬% વધી ૧૭૬.૩ અબજ ડોલર પહોંચશે. ક્લાઉડ અને ડિજિટલ ટેકનોલોજીનો ઝડપી અપનાવ, તેમજ ડેટા સેન્ટર્સ અને સોફ્ટવેર પર વધતું રોકાણ આ વૃદ્ધિ પાછળના મુખ્ય પરિબળો છે. હાલ દેશના ડેટા સેન્ટર્સની ઉપલબ્ધતા પૂરતી નથી, જ્યારે વધતી એઆઈ માંગે નવા ઈનફ્રાસ્ટ્રક્ચર માટે મોટી તકો ઉભી કરી છે. રિપોર્ટ મુજબ, ૨૦૨૬માં ડેટા સેન્ટર સેગમેન્ટ સૌથી ઝડપથી વધનાર IT કેટેગરી બની શકે છે.

