એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ–ઓક્ટોબરમાં હોંગકોંગ તરફની નિકાસ ૨૦% વધીને ૪.૩૬ અબજ ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે તે જ સમયગાળામાં ૩.૬૦ અબજ ડોલર હતી. જેમ્સ-જ્વેલરી અને ટેલિકોમ સાધનો જેવી કેટેગરીમાં વધતી માગને આ વૃદ્ધિ માટે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ભારતના ટોચના દસ નિકાસ મથકોમાં હોંગકોંગનું સ્થાન છે, અને કુલ નિકાસમાં તેનો હિસ્સો લગભગ ૨% છે.
અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લગાવ્યા બાદ ભારત સરકાર અને નિકાસ ઉદ્યમોએ નિકાસ મથકોમાં વૈવિધ્યતા લાવવા માટે જે પ્રયાસો કર્યા હતા, તેની સકારાત્મક અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. અમેરિકા સિવાયના બજારોમાં નિકાસ વધતા, અમેરિકાની નિકાસમાં થયેલા ઘટાડાની ભરપાઈ થવાની શક્યતા વધી છે. જો કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ઓક્ટોબર મહિનામાં ભારતની કુલ નિકાસ ૧૧.૭૫% ઘટીને ૩૪.૩૫ અબજ ડોલર રહી હતી, પરંતુ હોંગકોંગ તરફની નિકાસમાં સતત સુધારો જોવા મળ્યો છે.
સાથે સાથે, નવા નિકાસ મથકો સાથે-સાથે હાલના મથકોમાં નિકાસ વધારવાના દેશના પ્રયાસો પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૧૧ દેશોમાં ટેક્સટાઇલ નિકાસમાં ૧૦% વૃદ્ધિ નોંધાઈ છે. ગયા નાણાં વર્ષના ૭૭૧.૮૫ કરોડ ડોલર સામે આ વર્ષે આ આંક ૮૪૮.૯૦ કરોડ ડોલર રહ્યો છે. એક ખાનગી બેન્કના તાજેતરના સર્વેમાં પણ રસપ્રદ તારણો સામે આવ્યા છે, જેમાં ભાગ લેનાર વેપારીઓમાંથી ૮૫% વેપાર ગૃહોએ વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ માટે સાઉદી અરેબિયાને સૌથી આકર્ષક મથક ગણાવ્યું છે.

